
નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીયમંત્રી જેપી નડ્ડાએ, તિરંગા યાત્રા અને તિરંગા અભિયાનને દેશભરમાં ચાલી રહેલા જનભાગીદારીના અભિયાન તરીકે રેખાંકિત કર્યું. તેમણે કહ્યું કે, 9 ઓગસ્ટથી શરૂ થયેલી તિરંગા યાત્રા અને તિરંગા અભિયાન 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ અંતર્ગત દેશના શહેરોથી લઈને ગામડાં સુધી તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે અને લોકો ઉત્સાહ સાથે તેમાં ભાગ લઈ રહ્યા છે.
નડ્ડાએ કહ્યું કે, જ્યારે દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં આહ્વાન કર્યું હતું કે તિરંગા અભિયાન માત્ર સરકારનો કાર્યક્રમ નહીં, પરંતુ જનઆંદોલન બનવું જોઈએ. ત્યારબાદ દેશભરમાં કરોડો ઘરો પર તિરંગો ફરકાવવામાં આવ્યો અને લોકોએ આ અભિયાનમાં વધ-ચઢીને ભાગ લીધો. કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું કે તેમણે પણ આજે પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે તિરંગો ફરકાવ્યો. તેમણે તેને પોતાના માટે સૌભાગ્યનો અવસર ગણાવતા કહ્યું કે, તિરંગો દેશની એકતા, ગૌરવ અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક છે.
નડ્ડાએ કહ્યું કે, ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દેશવાસીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવના જરૂરી છે. તેમણે લોકોને તિરંગા અભિયાન સાથે જોડાવા અને દેશના વિકાસના સંકલ્પને મજબૂત કરવાની અપીલ કરી. તેમના મુજબ, દેશભક્તિની ભાવના અને સામૂહિક પ્રયાસો દ્વારા ભારતને આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાનો લક્ષ્ય હાંસલ કરી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / સોરવ રાય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ