
નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.)। રાજ્યસભાએ ગુરુવારે ખનિજ અને ખનિજ (વિકાસ અને નિયમન) સુધારા વિધેયક, 2026ને ધ્વનિમતથી પસાર કરી દીધું. વિધેયકમાં રાજ્યો તરફથી ખનિજ અધિકારો અને ખનિજ-સમૃદ્ધ જમીન પર કર વસૂલવાની શક્તિઓને મર્યાદિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્રીય કોલસા અને ખનિજ મંત્રી જી. કિશન રેડ્ડીએ રાજ્યસભામાં વિધેયકને વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે, આ વિધેયક કોઈ રાજ્યની નાણાકીય સ્થિતિ, જમીન અથવા ખનિજ સંબંધિત મુદ્દાઓમાં કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ માટે નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકારનો હેતુ રાજ્યોના અધિકારોમાં દખલ કરવાનો નથી.
રેડ્ડીએ કહ્યું કે સરકાર ઈચ્છે છે કે, દેશભરમાં ખનિજોના દરો એકસરખા રહે, જેથી ખનિજ ક્ષેત્રમાં એકસમાન વ્યવસ્થા સ્થાપિત થઈ શકે.
વિધેયક દ્વારા ખનિજ અધિકારો અને ખનિજ-સમૃદ્ધ જમીન પર રાજ્યો દ્વારા લગાવવામાં આવતા કર સંબંધિત વ્યવસ્થામાં ફેરફારનો પ્રસ્તાવ છે. સરકારનું કહેવું છે કે આથી ખનિજ ક્ષેત્રમાં એકરૂપતા આવશે અને રાજ્યો વચ્ચે ખનિજોના દરોને લઈને રહેલી અસમાનતા ઘટાડવામાં મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાએ આ વિધેયકને 12 ઓગસ્ટે પસાર કર્યું હતું. લોકસભામાંથી પસાર થયા બાદ તેને રાજ્યસભામાં વિચારણા માટે મોકલવામાં આવ્યું હતું, જ્યાં ગુરુવારે તેને મંજૂરી મળી ગઈ.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ