
નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ગુરુવારે વર્ષ 2024 અને 2025 માટે 100થી વધુ પ્રખ્યાત કલાકારોને સંગીત નાટક અકાદમી ફેલોશિપ અને સંગીત નાટક અકાદમી પુરસ્કારો પ્રદાન કર્યા. આ અવસરે તેમણે કહ્યું કે, કલાકારો ભારતીય પરંપરાના વાહક હોવા સાથે અમારી સામૂહિક સ્મૃતિના સંરક્ષક અને ભવિષ્યની દૃષ્ટિના સર્જક છે.
આ અવસરે રામલાલ બરેઠ, એ.વી. આનંદ, રીટા ગાંગુલી, પુરુ દધીચ, ચિત્તરંજન જ્યોતિષી, પસુમાર્થિ રત્તૈયા શર્મા અને સુધરાની રઘુપતિ સહિત સાત કલાકારોને સંગીત નાટક અકાદમી ફેલોશિપથી અલંકૃત કરવામાં આવ્યા.
વર્ષ 2024 માટે સંગીત, નૃત્ય, રંગમંચ, લોક અને જનજાતીય કલા સહિત વિવિધ ક્ષેત્રોના 54 કલાકારોને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તેમાં બાંસુરી વાદક રાકેશ ચૌરસિયા, અભિનેતા અરુણ નાળવડે અને લોક નૃત્યાંગના ગુલાબી સપેરા સહિત અન્ય કલાકારોનો સમાવેશ થાય છે.
વર્ષ 2025 માટે પણ વિવિધ કલા વિધાઓ સાથે જોડાયેલા 54 કલાકારોને અકાદમી પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા. તેમાં ભરતનાટ્યમની કલાકાર રોજા કન્નન, કથક સાથે જોડાયેલા કૃષ્ણ મોહન મિશ્રા મહારાજ, રંગમંચ નિર્દેશક કપિલદેવ ચંદ્રકાંત શુક્લા અને લોક સંગીત કલાકાર ભેરુ સિંહ ચૌહાણ સહિત અન્ય કલાકારોનો સમાવેશ થાય છે.
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, આજે સન્માનિત કરવામાં આવેલા કલાકારો સામૂહિક રીતે દેશનો સાંસ્કૃતિક નકશો રજૂ કરે છે. આ નકશો દેશની માટી સાથે જોડાયેલી વાર્તાઓ અને ગીતો, વિવિધ નૃત્યો અને તહેવારો તેમજ સદીઓથી વિકસિત ભાષાઓ અને બોલીઓની સ્મૃતિઓથી ગૂંથાયેલો છે.
તેમણે કહ્યું કે, દેશમાં સંગીતની અનેક પરંપરાઓ, વિવિધ નૃત્ય શૈલીઓ અને લોક રંગમંચની અસંખ્ય વિધાઓ ઉપલબ્ધ છે. ભારતીય સંસ્કૃતિનાં મૂળ પ્રકૃતિ સાથે ઊંડે જોડાયેલા છે. દેશની વિવિધ ખાદ્ય પરંપરાઓ, પહેરવેશ, નૃત્ય અને સંગીતમાં પ્રકૃતિની પ્રેરણા સ્પષ્ટ દેખાય છે. કલાકારો પક્ષીઓના કલરવ, ઝરણાંના સ્વર, વૃક્ષ-વનસ્પતિ, વાદળો અને નદીઓથી પ્રેરણા લઈને પોતાની કલાને અભિવ્યક્તિ આપે છે. વિવિધતા અને એકતાનો આ સંબંધ ભારતીય કલાઓની સૌથી મોટી શક્તિઓમાંની એક છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશની વિવિધ કલા વિધાઓના સંરક્ષણ અને વિકાસમાં ગુરુ-શિષ્ય પરંપરાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે કહ્યું કે કલા ક્ષેત્રમાં ગુરુ સૌથી મહત્વપૂર્ણ પુસ્તક સમાન હોય છે. ઝડપથી બદલાતા સમયમાં અનેક લોક કલા વિધાઓ લુપ્ત થવાના જોખમનો સામનો કરી રહી છે. તેથી આ કલાઓનું દસ્તાવેજીકરણ કરવાની સાથે તેમને જીવંત રાખવા માટે વિશેષ પ્રયાસો કરવાનું જરૂરી છે.
તેમણે સંગીત નાટક અકાદમી તરફથી આ જ હેતુથી આયોજિત કરવામાં આવતા ‘કલા-દીક્ષા’ કાર્યક્રમની પ્રશંસા કરી અને વરિષ્ઠ કલાકારોને આગામી પેઢીને તૈયાર કરવા માટે વ્યવસ્થિત પ્રયાસો કરવા આહ્વાન કર્યું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, પ્રકૃતિ કલા ના મૂલ્યો અને સંવેદનાઓ દ્વારા જીવનને સમૃદ્ધ બનાવવાનું સૌથી સ્વાભાવિક તાલીમસ્થળ છે. લોક અને જનજાતીય કલાઓ જીવન પ્રત્યેના સ્વાભાવિક ઉત્સાહ તથા પ્રકૃતિ સાથેના ઊંડા જોડાણને દર્શાવે છે. આ કલાઓમાં સમુદાયની સ્મૃતિ અને સામૂહિક ચેતના સહજ રીતે અભિવ્યક્ત થાય છે. આ જ કારણે લોક કલાઓ ભારતની સાંસ્કૃતિક ઓળખની મહત્વપૂર્ણ આધારશિલા છે.
રાષ્ટ્રપતિએ સંગીત નાટક અકાદમી ફેલોશિપ અને પુરસ્કાર પ્રાપ્ત કરનારા તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે ભારતીય પરંપરાના વાહક તરીકે આ કલાકારો અમારી સામૂહિક સ્મૃતિના સંરક્ષક હોવા સાથે ભવિષ્યની દૃષ્ટિના નિર્માતા પણ છે.
તેમણે કહ્યું કે, સંગીત નાટક અકાદમીને ભારતની ‘સોફ્ટ પાવર’ના એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે માનવામાં આવે છે. રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અકાદમી આવનારા સમયમાં પણ ભારતની સાંસ્કૃતિક ઊર્જાથી સમગ્ર વિશ્વને સમૃદ્ધ કરતી રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ