
ગૌહાટી, નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). આસામમાં પૂરનો પ્રકોપ થોડો ઓછો થયો છે. હવે 370 ગામોના 77542 નાગરિકો પ્રભાવિત છે. પૂરની સ્થિતિમાં સુધારા વચ્ચે ધનસિરી નદી (નુમલીગઢ) ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પ્રભાવિત લોકો રાહત શિબિરોમાંથી પોતાના ઘરો તરફ પાછા ફરવા લાગ્યા છે. ક્ષતિગ્રસ્ત આવાસ માળખાં અને બચેલા ઘરોની મરામત અને સાફ-સફાઈનું કાર્ય પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. પ્રભાવિતોની મદદનું કાર્ય સરકારી અને ખાનગી સ્તરે પણ જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે.
આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના 13 ઓગસ્ટના આંકડા અનુસાર ધનસિરી નદી ઉફાન પર છે. રાજ્યમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 104 નોંધવામાં આવી છે. વર્તમાન સમયમાં 7 જિલ્લા પૂર પ્રભાવિત છે. પ્રભાવિત જિલ્લાઓમાં ગોલાઘાટ, શિવસાગર, નગાંવ, હોજાઈ, જોરહાટ, દરંગ અને લખીમપુર છે. પૂરથી આ જિલ્લાઓના 22 મહેસૂલી મંડળોના કુલ 370 ગામો પ્રભાવિત છે. વર્તમાન સમયમાં રાજ્યની કુલ 77542 વસ્તી હજુ પણ પ્રભાવિત છે અને 9908.85 હેક્ટર કૃષિ ભૂમિ પાણીમાં ડૂબેલી છે.
પૂર પ્રભાવિત લોકો માટે હજુ પણ 38 રાહત શિબિરો અને 32 રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આમાં 6639 લોકોએ આશ્રય લીધો છે. શિવસાગર જિલ્લામાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત કાચા મકાનોની કુલ સંખ્યા 125 છે. આ જિલ્લામાં 10 પાકા મકાનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. પૂરમાં રાહત અને બચાવ અભિયાનમાં એસડીઆરએફ, ડીડીઆરએફ, પોલીસ, અગ્નિશમન અને કટોકટી સેવાઓ (એફ એન્ડ ઈએસ), સર્કલ કાર્યાલય/સ્થાનિક પ્રશાસન અને નાગરિક સુરક્ષા/પ્રશિક્ષિત સ્વયંસેવકો જોડાયેલા છે.
પૂર પ્રભાવિત વિસ્તારોમાં ગુરુવારે રાજ્ય સરકારે કુલ 59 મેડિકલ ટીમોને તૈનાત કરી છે. આ દરમિયાન પાંચ બોટ પણ રાહત કાર્યમાં જોડાયેલી રહી. આ દરમિયાન બોટ દ્વારા પૂર પ્રભાવિત 119 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. પૂરથી મોટા પાયે રસ્તા, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે. સરકાર સતત સમીક્ષા બેઠકો કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ