વસ્તી ગણતરી 2027: બીજા તબક્કાની વસ્તી ગણતરી માટે 40 પ્રશ્નોની યાદી જાહેર
નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્ર સરકારે શુક્રવારે વસ્તી ગણતરી 2027ના બીજા તબક્કા એટલે કે વસ્તી ગણતરી માટે 40 પ્રશ્નોની પ્રશ્નાવલી અધિસૂચિત કરી દીધી છે. આમાં લોકોની ગણતરી કરવામાં આવશે. પ્રથમ વખત, વસ્તી ગણતરી હેઠળ જાતિ સંબંધિત માહિતી પણ એકત્રિત
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્ર સરકારે શુક્રવારે વસ્તી ગણતરી 2027ના બીજા તબક્કા એટલે કે વસ્તી ગણતરી માટે 40 પ્રશ્નોની પ્રશ્નાવલી અધિસૂચિત કરી દીધી છે. આમાં લોકોની ગણતરી કરવામાં આવશે. પ્રથમ વખત, વસ્તી ગણતરી હેઠળ જાતિ સંબંધિત માહિતી પણ એકત્રિત કરવામાં આવશે. આ પ્રશ્નાવલીમાં નાગરિકોની વ્યક્તિગત, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક માહિતી સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે. લોકોને તેમના કોવિડ-19 રસીકરણ, બેંક ખાતાઓ, આધાર, મતદાર ઓળખપત્ર અને અન્ય માહિતી વિશે પણ પૂછવામાં આવશે.

ગૃહ મંત્રાલય હેઠળ ભારતના મહાપંજીયક અને વસ્તી ગણતરી કમિશનર દ્વારા શુક્રવારે જારી કરાયેલી અધિસૂચનામાં વસ્તી ગણતરી અધિકારીઓને પરિવારો પાસેથી 40 મુદ્દાઓ સંબંધિત માહિતી એકત્રિત કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

અધિસૂચના મુજબ, વસ્તી ગણતરી અધિકારીઓ તેમના નિર્ધારિત સ્થાનિક વિસ્તારની સીમામાં રહેતા લોકો પાસેથી પરિવાર અનુસૂચિ દ્વારા આ પ્રશ્નોના જવાબો પૂછી શકશે. પ્રશ્નાવલીમાં વ્યક્તિનું નામ, પરિવારના વડા સાથેનો સંબંધ, લિંગ, જન્મ તારીખ અને ઉંમર, વૈવાહિક સ્થિતિ અને લગ્નના સમયે ઉંમરથી લઈને પતિ કે પત્નીનું નામ તથા ઘોષિત રાષ્ટ્રીયતા સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ધર્મ, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/જાતિ, માતા-પિતાની વિગતો, દિવ્યાંગતા, માતૃભાષા અને અન્ય ભાષાઓનું જ્ઞાન, સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતા તથા શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ મેળવવાની સ્થિતિ વિશે પણ માહિતી લેવામાં આવશે. વ્યક્તિના ઉચ્ચતમ શૈક્ષણિક સ્તર અને વિષય/સંકાઈ સંબંધિત પ્રશ્નો પણ પ્રશ્નાવલીમાં શામેલ છે.

રોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી માટે પૂછવામાં આવશે કે, વ્યક્તિએ પાછલા વર્ષમાં કોઈપણ સમયે કામ કર્યું હતું કે નહીં, તેની આર્થિક પ્રવૃત્તિની શ્રેણી શું છે, વ્યવસાય શું છે, ઉદ્યોગ, વેપાર કે સેવાનું સ્વરૂપ શું છે તથા કામદારની શ્રેણી શું છે. બિન-કામદારો અને સીમાંત તેમજ અર્ધ-સીમાંત કામદારો માટે બિન-આર્થિક પ્રવૃત્તિ તથા કામની શોધ કે કામ માટેની ઉપલબ્ધતા વિશે પણ માહિતી માંગવામાં આવશે.

પ્રશ્નાવલીમાં કાર્યસ્થળ સુધી આવવા-જવાની યાત્રા, જન્મ સ્થળ, પૂર્વ નિવાસ સ્થાન, સ્થાન પરિવર્તનનું કારણ, પાછલા પ્રવાસ પછી ગામ કે નગરમાં રહેવાની અવધિ અને કાયમી નિવાસના સરનામા સંબંધિત પ્રશ્નો પણ છે. વર્તમાનમાં વિવાહિત, વિધવા, છૂટાછેડા લીધેલી અને અલગ રહેતી મહિલાઓ માટે જીવિત બાળકોની સંખ્યા તથા ક્યારેય જીવિત જન્મેલા બાળકોની સંખ્યા સંબંધિત પ્રશ્નો પણ શામેલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, કોવિડ-19 રસીકરણનું સ્થળ, કુલ બેંક ખાતાઓની સંખ્યા, મોબાઇલ નંબર અને આધાર નંબર, જો ઉપલબ્ધ હોય, તો માંગવામાં આવશે. મતદાર ઓળખપત્ર નંબર, ભારતીય પાસપોર્ટ ધારક હોવા પર પાસપોર્ટ નંબર તથા ડ્રાઇવિંગ લાઇસન્સની ઉપલબ્ધતા સંબંધિત માહિતી પણ પ્રશ્નાવલીનો ભાગ છે.

નોંધનીય છે કે, વસ્તી ગણતરી-2027 બે તબક્કામાં કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં મકાન સૂચિબદ્ધતા અને આવાસ ગણતરી તથા બીજા તબક્કામાં વસ્તી ગણતરી કરવામાં આવશે. અધિસૂચિત પ્રશ્નાવલી બીજા તબક્કા એટલે કે વસ્તી ગણતરી દરમિયાન દરેક વ્યક્તિ અને પરિવાર સંબંધિત સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા જનસાંખ્યિકીય માહિતી એકત્રિત કરવાનો આધાર બનશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande