
નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસરે કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ 1947માં દેશના ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા લોકો તથા વિસ્થાપન અને હિંસાની પીડા ભોગવનારા પરિવારોને શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ કેન્દ્રીય મંત્રીઓ સાથે રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગલાની કરુણાંતિકાને ભારતીય ઇતિહાસનો દર્દનાક અધ્યાય ગણાવતા તેમાંથી શીખ લઈને રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સદ્ભાવને મજબૂત કરવા આહ્વાન કર્યું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે, 14 ઓગસ્ટ 1947 ઇતિહાસના તે ક્રૂરતમ અધ્યાયનો સાક્ષી છે, જેમાં લાખો લોકોને જીવ ગુમાવવા પડ્યા અને કરોડો લોકોને ઘર, સંપત્તિ અને સ્વજનોને છોડીને વિસ્થાપિત થવું પડ્યું. તેમણે ભાગલા માટે તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વની નીતિઓને જવાબદાર ઠેરવતા કહ્યું કે, આ દંશને ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. શાહે કહ્યું કે, મોદી સરકાર ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ના માધ્યમથી આ કરુણાંતિકાની સ્મૃતિઓને યુવા પેઢી સુધી પહોંચાડી રહી છે, જેથી દેશને તોડનારી તાકાતો સફળ ન થાય અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો સંકલ્પ મજબૂત બને.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ લાખો પરિવારોના દુઃખ, વિસ્થાપન અને અનિશ્ચિતતાની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે, આ દિવસ તે લોકોના સંઘર્ષ, સાહસ, ત્યાગ અને ધૈર્યને પણ યાદ કરવાનો અવસર છે, જેમણે પોતાનું ઘર-પરિવાર અને સંપત્તિ ગુમાવવા છતાં જીવનને ફરીથી સંવારવાનો સંકલ્પ લીધો.
કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 1947ના ભાગલાને દુનિયાના ઇતિહાસનો બર્બરતા અને વિભીષિકાથી ભરેલો કાળો અધ્યાય ગણાવ્યો. તેમણે કહ્યું કે, નફરત અને હિંસાના કારણે લાખો લોકોને વિસ્થાપનની પીડા ભોગવવી પડી અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ચૌહાણે દેશની એકતા અને સામાજિક સદ્ભાવને મજબૂત કરવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ધર્મના આધારે થયેલા ભાગલાને ભારતીય ઇતિહાસનો અમાનવીય અને કાળો અધ્યાય ગણાવ્યો. તેમણે ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દેશ આ કરુણાંતિકાને ક્યારેય ભૂલશે નહીં.
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે, ભાગલા દરમિયાન અગણિત લોકોને વિસ્થાપન અને પીડાનો સામનો કરવો પડ્યો. તેમણે કહ્યું કે, રાજકીય આકાંક્ષાઓ અને સંકુચિત વિચારધારાઓના કારણે થયેલા ભાગલાએ રક્તપાત, નફરત અને વિસ્થાપન દ્વારા સમાજને ઊંડી ચોટ પહોંચાડી.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાગલામાં ઘર, મૂળ અને સ્વજનોને ગુમાવનારા નાગરિકોના સાહસ અને સંઘર્ષને નમન કર્યું.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને ભાગલા પીડિતોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વની નીતિગત ભૂલો અને સત્તાની રાજનીતિનો ભોગ કરોડો લોકોને નરસંહાર, વિસ્થાપન અને સ્વજનોથી વિખૂટા પડવાના રૂપમાં ભોગવવો પડ્યો. તેમણે કહ્યું કે, આ સ્મૃતિ દિવસ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવા અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને મજબૂત કરવાની પ્રેરણા આપે છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, 1947માં ફક્ત સીમાઓનું વિભાજન નહોતું થયું, પરંતુ અસંખ્ય પરિવારોના સપના, સંબંધો અને સંવેદનાઓનું પણ વિખેરણ થયું. તેમણે કહ્યું કે, વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ આપણને તે પીડામાંથી શીખ લેવા અને રાષ્ટ્રની એકતા-અખંડિતતાને સર્વોચ્ચ માનવાનો સંદેશ આપે છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ભાગલા પીડિત લાખો નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, 14 ઓગસ્ટ 1947ના રોજ ફક્ત દેશની સીમાઓ નહોતી બદલાઈ, પરંતુ લોકોની જન્મભૂમિ, ઘર અને સ્વજનો પણ તેમનાથી વિખૂટા પડી ગયા હતા. તેમણે કહ્યું કે, ભાગલાની પીડા ભોગવનારા પરિવારોના સંઘર્ષ અને દેશના પુનર્નિર્માણમાં તેમના યોગદાનને હંમેશા યાદ કરવું જોઈએ.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ભાગલાની કરુણાંતિકાએ અસંખ્ય પરિવારોને સ્વજનોથી અલગ કરી દીધા અને લાખો લોકોને પોતાની જન્મભૂમિ, આજીવિકા અને સંપત્તિ છોડવા માટે મજબૂર કર્યા. તેમણે કહ્યું કે, આ દર્દ આજે પણ સામૂહિક સ્મૃતિમાં જીવંત છે અને આપણને માનવતા, એકતા તથા ભાઈચારાના મહત્વનું સ્મરણ કરાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ