
નવી દિલ્હી, ૧૫ ઑગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું કે, ઘાતક નક્સલવાદી તાકાતો નબળી પડી છે, પરંતુ વર્ષો સુધી સત્તામાં રહેલા 'માનસિક નક્સલવાદીઓ' હજુ પણ તકની શોધમાં છે. તેમણે કહ્યું કે, આવા લોકો અરાજકતાના રસ્તાઓ શોધી રહ્યા છે અને સમાજને ખોટા માર્ગે લઈ જવા માટે જાતજાતના દાવપેચ કરી રહ્યા છે.
સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધનમાં મોદીએ આવા તત્વોને ઓળખીને તેમને અલગ પાડવા અને દેશના યુવાનોને વિકસિત ભારતના નિર્માણ સાથે જોડવાનું આહ્વાન કર્યું. વડાપ્રધાને કહ્યું કે, વર્ષ ૨૦૧૪માં નક્સલવાદને સમાપ્ત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિઓ બદલાઈ છે અને આજે ત્યાં વિકાસની ગુંજ સંભળાઈ રહી છે.
તેમણે કહ્યું કે, પશ્ચિમ એશિયા સંકટ દરમિયાન કેટલાક લોકો દેશને ડરાવવામાં આનંદ લઈ રહ્યા હતા, પરંતુ છેલ્લા ૧૦-૧૨ વર્ષોમાં કરવામાં આવેલી સુવિચારિત તૈયારીઓએ ભારતને આ પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનાવ્યું છે. મોદીએ કહ્યું કે, આજે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને યુરિયાની ઉપલબ્ધતા જળવાઈ રહી છે અને ભારત પોતાની તાકાતના બળ પર આગળ વધી રહ્યું છે. આપણે ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનીને રહીશું.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ