
કલકતા,નવી દિલ્હી, 16 ઓગસ્ટઃ બીરભૂમ જિલ્લાના રામપુરહાટથી તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પશ્ચિમ બંગાળ વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ આશિષ બંદોપાધ્યાયનું રવિવારે સવારે રહસ્યમય સંજોગોમાં નિધન થયું હતું. તેમનો મૃતદેહ રામપુરહાટ શહેરમાં તેમના ઘરની બાજુમાં પાર્ટી કાર્યાલયમાં લટકતો મળી આવ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
સ્થાનિકોએ સૌપ્રથમ આશિષ બંદોપાધ્યાયને, પાર્ટી કાર્યાલયની બારીમાં લટકતા જોયા હતા. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષના ઘણા નેતાઓ અને કાર્યકરો શનિવારે આશિષ બંદોપાધ્યાયને મળ્યા હતા. તેમનું ઘર રામપુરહાટના વોર્ડ નંબર પાંચના હટતલા પાડા વિસ્તારમાં છે. આશિષ બંદોપાધ્યાય 2026ની વિધાનસભા ચૂંટણીમાં રામપુરહાટથી ભાજપના ધ્રુવ સાહા સામે ચૂંટણી હારી ગયા બાદ સક્રિય રાજકારણથી દૂર થઈ ગયા હતા.
'માસ્ટરમાશાઈ' તરીકે જાણીતા આ વરિષ્ઠ નેતાનું નામ તાજેતરના કથિત ભ્રષ્ટાચારના કેસ સાથે પણ જોડવામાં આવી રહ્યું હતું. પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે સુસાઇડ નોટ વિશે કોઈ વિગતો આપી નથી. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસ તપાસ સામે આવ્યા બાદ જ જાણી શકાશે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ