
નવી દિલ્હી, 16 ઑગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ લાંચરુશ્વતના એક કેસમાં રવિવારે વિજયવાડામાં તૈનાત રેલવેના મુખ્ય સિગ્નલ અને દૂરસંચાર ઇજનેર કાર્યાલય (સીએસટીઈ) પ્રોજેક્ટના વરિષ્ઠ અનુભાગ ઇજનેર અને એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે. એજન્સીએ વરિષ્ઠ અનુભાગ ઇજનેર, ખાનગી કંપનીઓના ચાર પ્રતિનિધિઓ તથા અજાણ્યા લોક સેવકો અને ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ લાંચ માંગવા અને સ્વીકારવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે.
સીબીઆઈ અનુસાર, દક્ષિણ મધ્ય રેલવેએ બે ખાનગી કંપનીઓના સંયુક્ત સાહસને 179.50 કરોડ રૂપિયાનું સ્વયંચાલિત બ્લોક સિગ્નલિંગ કાર્ય ફાળવ્યું હતું. એજન્સીને માહિતી મળી હતી કે સંયુક્ત સાહસે નિર્ધારિત સમય પહેલાં કામ પૂરું કરવાના બદલામાં આશરે સાત કરોડ રૂપિયાના બોનસનો દાવો કર્યો હતો. આરોપ છે કે વિજયવાડા સ્થિત સીએસટીઈ પ્રોજેક્ટના અધિકારીઓએ સંયુક્ત સાહસને અયોગ્ય લાભ પહોંચાડવા અને બોનસ દાવાની મંજૂરીમાં મદદ કરવા માટે બોનસ ફાઇલ સંબંધિત તારીખોમાં હેરાફેરી કરી.
તપાસ એજન્સી અનુસાર, ખાનગી કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે આરોપી વરિષ્ઠ અનુભાગ ઇજનેરને જણાવ્યું હતું કે, 16 ઑગસ્ટના રોજ તેમનો પુત્ર વિશાખાપટ્ટનમથી વિજયવાડા જતી વખતે લાંચની રકમ પહોંચાડશે. માહિતીના આધારે સીબીઆઈએ જાળ બિછાવી અને વરિષ્ઠ અનુભાગ ઇજનેરને એક ખાનગી વ્યક્તિ પાસેથી 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી લીધા. લાંચની પૂરી રકમ જપ્ત કરી લેવામાં આવી.
સીબીઆઈએ જણાવ્યું કે, આ લાંચ કંપનીના પક્ષમાં બોનસ રકમને મંજૂરી અપાવવા અને તેને જારી કરાવવાના બદલામાં આપવામાં આવી રહી હતી.
એજન્સી અનુસાર, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, પીઠાપુરમ અને હૈદરાબાદ સ્થિત આરોપીઓના પરિસરોમાં તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ધરપકડ કરાયેલા વરિષ્ઠ અનુભાગ ઇજનેર અને ખાનગી વ્યક્તિને 17 ઑગસ્ટના રોજ વિજયવાડા સ્થિત સક્ષમ ન્યાયાલયમાં રજૂ કરવામાં આવશે.
કેસમાં આગળની તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ