
- પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 21 ફૂટ ઊંચી અષ્ટધાતુની પ્રતિમાનું અનાવરણ
ચિત્તોડગઢ, નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે, કોંગ્રેસ પર વંદે માતરમના અપમાનનો આરોપ લગાવતા કહ્યું કે, વોટ બેંકના લોભમાં કોંગ્રેસે વંદે માતરમને ભૂલાવી દીધું હતું. તેમણે કહ્યું કે, વંદે માતરમના 150મા વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આ ગીતને ફરીથી આયુષ્ય આપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની નિર્લજ્જતા જુઓ, કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય પર વંદે માતરમનું ગાન થઈ રહ્યું હતું. ચાલુ ગાન દરમિયાન કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષને ગાન રોકવા કહ્યું. આપણે બધા ટીવી પર જોતા રહ્યા. 80 વર્ષ પછી બંકિમ બાબુનું આ ગાન ફરીથી સન્માન પ્રાપ્ત કરી રહ્યું છે, તે પણ સોનિયા ગાંધીને પસંદ નથી આવી રહ્યું.
અમિત શાહ, રવિવારે રાજસ્થાન પ્રવાસ દરમિયાન ચિત્તોડગઢ જિલ્લાના નિંબાહેડામાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 21 ફૂટ ઊંચી અષ્ટધાતુની પ્રતિમાના અનાવરણ બાદ આયોજિત જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, દેશની 140 કરોડ જનતા સોનિયા ગાંધીના આ કૃત્યને જોઈ રહી છે. વંદે માતરમનું અપમાન દેશ ક્યારેય સ્વીકાર નહીં કરે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં જો જરા પણ શરમ બાકી હોય તો તેણે હાથ જોડીને બંકિમ બાબુની અમર આત્મા અને દેશની જનતા પાસે આ કૃત્ય માટે માફી માંગવી જોઈએ.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ રાષ્ટ્ર ગૌરવ મહારાણા પ્રતાપને શ્રદ્ધાપૂર્વક નમન કરતા કહ્યું કે, મેવાડની આ વીર ભૂમિ દેશભક્તો માટે કાશીથી ઓછી નથી. તેમણે કહ્યું કે, આ વીર ભૂમિના મહારાણા પ્રતાપ, વીર પૂંજા ભીલ અને શેઠ ભામાશાહની રાષ્ટ્રભક્તિ, ધર્મભક્તિ, સ્વરાજ્ય પ્રત્યેની લગને મુઘલોના વિજય રથને રોકી દીધો હતો.
રાજસ્થાનમાં જળ સંકટનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ત્રણ કરારો દ્વારા અડધા રાજસ્થાનની તરસ છીપાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, ભાજપને જ્યાં-જ્યાં જનતાના આશીર્વાદ મળે છે, ત્યાં પાર્ટી જનતાની સેવામાં લાગી જાય છે. રાજસ્થાનમાં પહેલા 11 લાખ ઘરો સુધી જ નળથી પાણી પહોંચ્યું હતું. માતાઓ-બહેનો માથા પર ત્રણ-ત્રણ માટલાં લઈને કોસો દૂરથી પાણી લઈને આવતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા જલ જીવન મિશનથી 8 વર્ષમાં જ રાજસ્થાનમાં 64 લાખ ઘરો સુધી પાણી પહોંચ્યું છે.
ગૃહ મંત્રીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીનું આખું જીવન 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાને સમર્પિત રહ્યું. તેઓ બાળપણથી જ રાષ્ટ્રભક્તિના માર્ગે ચાલ્યા. 40 વર્ષ સુધી વિપક્ષમાં રહેવા છતાં અને દરેક પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં રાષ્ટ્રભક્તિનો સિદ્ધાંત જ તેમના જીવનનો આધાર રહ્યો. વડાપ્રધાન તરીકે તેમણે દેશના વિકાસને લઈને ઘણા મોટા નિર્ણયો કર્યા. આખા વિશ્વના દબાણ સામે ન ઝૂકતા તેમણે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું. ગામડાઓને રસ્તાઓથી જોડવાનું કામ થયું અને સુવર્ણ ચતુર્ભુજ યોજના દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું વિસ્તરણ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, અટલજીએ જનજાતીય વિકાસ મંત્રાલય બનાવવાનું પણ મહત્વપૂર્ણ કાર્ય કર્યું. આનું જ પરિણામ છે કે, આજે આદિવાસી પરિવારની દીકરી શ્રીમતી દ્રૌપદી મુર્મુ દેશના રાષ્ટ્રપતિ છે.
આ અવસરે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયી દેશના મહાન નેતા હતા. તેમના કુશળ નેતૃત્વમાં દ્વિતીય પરમાણુ પરીક્ષણ અને 1999ના કારગિલ યુદ્ધની જીતે ભારતની છબીને દુનિયાભરમાં મજબૂત કરી. આ જ ગૌરવશાળી પરંપરાને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર, સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા ભારતને એક સ્વાભિમાની અને સશક્ત રાષ્ટ્ર તરીકે વિશ્વ પટલ પર સ્થાપિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાજપેયીજીના જન્મદિવસ 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઘોષિત કર્યો. તેમણે કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સાર્વજનિક જીવન રાષ્ટ્ર સેવા અને સમર્પણનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં અને દેશમાં નક્સલવાદની સમસ્યાને ખતમ કરવામાં તેમની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રહી છે. ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરીને તેમણે દેશની ફોજદારી ન્યાય વ્યવસ્થામાં વ્યાપક સુધારા કર્યા છે. દેશમાં પ્રથમવાર ગઠિત સહકારિતા મંત્રાલય તેમના નેતૃત્વમાં સહકારિતા ક્ષેત્રમાં સમૃદ્ધિની પ્રેરણાદાયક ગાથા લખી રહ્યું છે.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભજનલાલ શર્માની ઉપસ્થિતિમાં ચિત્તોડગઢ સહિત 15 જિલ્લાઓમાં 5,659 કરોડ રૂપિયાના ખર્ચે 944 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. સાથે જ 1,500 ગામોને જલ જીવન મિશન હેઠળ નળથી જળ સુવિધાની ભેટ આપી. આ પહેલા શાહે સહકારિતા વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા લગાવવામાં આવેલી પ્રદર્શનીનું અવલોકન કર્યું. સમારોહમાં ઉપ મુખ્યમંત્રી ડો. પ્રેમચંદ બૈરવા સહિત અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં આમજનતા હાજર રહી.
નિંબાહેડામાં જેકે સર્કલ પર મિની અટલ સ્મારકમાં સ્થાપિત વાજપેયીની પ્રતિમા આશરે ચાર હજાર કિલોગ્રામ અષ્ટધાતુથી બનેલી છે. તેને આઠ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર સ્થાપિત કરવામાં આવી છે. પ્રતિમા જયપુરના કારીગરોએ તૈયાર કરી છે. સ્મારકમાં બે અન્ય પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં એક પર વાજપેયીના વડાપ્રધાન કાર્યકાળમાં થયેલા પોખરણ પરમાણુ પરીક્ષણની ઝલક અને બીજા પર તેમના વિવિધ મુદ્રાઓમાં ભાષણ આપતા ચિત્રણ કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અખિલ / ઈશ્વર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ