
ગૌહાટી, નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.). આસામમાં નદીઓનું જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે. બધી નદીઓ ભયજનક સપાટીથી નીચે વહી રહી છે. પૂરનો પ્રભાવ પણ 5 જિલ્લામાં રહી ગયો છે. આ જિલ્લાઓના 170 ગામો પ્રભાવિત છે. પ્રભાવિત લોકો પોતાના આવાસ અને ખેતી તરફ પાછા ફરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સરકાર પ્રભાવિતોને શક્ય તમામ મદદ કરી રહી છે.
આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના 16 ઓગસ્ટના આંકડા અનુસાર, બધી નદીઓનું જળસ્તર ભયજનક સપાટીથી નીચે પહોંચી ગયું છે. આ વખતના પૂરમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. પૂરથી સૌથી વધુ નુકસાન શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ જિલ્લાઓમાં થયું છે. પાંચ જિલ્લાઓ ગોલાઘાટ, શિવસાગર, નગાંવ, ધેમાજી અને જોરહાટના 14 મહેસૂલી મંડળોના કુલ 170 ગામો પ્રભાવિત છે અને 51869 નાગરિકો પ્રભાવિત છે. 3628.17 હેક્ટર કૃષિ ભૂમિ પાણીમાં ડૂબેલી છે.
પૂરમાં રાહત અને બચાવ અભિયાનમાં એસડીઆરએફ, ડીડીઆરએફ, પોલીસ, અગ્નિશમન વગેરે એજન્સીઓ લાગેલી છે. રવિવારે સરકારે કુલ 18 મેડિકલ ટીમોને તૈનાત કરી. આ દરમિયાન ચાર બોટ પણ રાહત કાર્યમાં લાગેલી રહી. બોટ દ્વારા પૂર પ્રભાવિત 109 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. પૂરથી મોટા પાયે રસ્તા, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે. તેની મરામત માટે સરકાર સતત સમીક્ષા બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ