
જામનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ચાલતા રોગી કલ્યાણ સમિતિના ફંડમાં રૂ.૧.૩૬ કરોડની ઉચાપત કૌભાંડમાં ઝડપાયેલા કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીની રેગ્યુલર જામીન અરજી જામનગર કોર્ટ દ્વારા નામંજૂર કરાઇ છે. તથા કોર્ટ દ્વારા આ પ્રકરણમાં ડીનની ભૂમિકા તથા તપાસ અધિકારીઓની શંકાસ્પદ નિષ્ક્રિયતા સામે ગૃહ વિભાગ તથા આરોગ્ય સચિવને આદેશની નકલ રવાના કરાઇ છે.
આ ચકચારી કેસમાં ઝડપાયેલા આસિસ્ટન્ટ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર (કોન્ટ્રાક્ટ કર્મી) શોભિત રાજેન્દ્રપ્રસાદ ગર્ગ દ્વારા કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજીને જામનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ રસિકકુમાર વી. મંગાણીની અદાલતે સખત વલણ અપનાવીને નામંજૂર કરી દીધી છે.
વધુમાં, સુનાવણી વેળાએ ડીન નયનાબેન પટેલના વકીલે સહ-આરોપીની જામીન પ્રક્રિયામાં દખલગીરી કરવાનો પ્રયાસ કરતા કોર્ટે લાલ આંખ કરી હતી, અને સ્પષ્ટ કર્યું હતું કે ડીન ખુદ આ કેસમાં શંકાસ્પદ છે. સરકારી ભંડોળ લૂંટાયું હોવાથી અહીં અસલી ભોગ બનનાર સરકાર છે, જેથી ડીનને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો કોઈ કાનૂની અધિકાર રહેતો નથી. આ તમામ હકીકતો સ્પષ્ટ કરે છે કે ડીનની સીધી મિલીભગત વિના ૧.૩૬ કરોડ રૂપિયાનું આ મસમોટું આથક કૌભાંડ આચરવું અશક્ય છે.
આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ શરમજનક અને ચિંતાજનક પાસું પોલીસ તંત્રની શંકાસ્પદ કામગીરી અને નિષ્ક્રિયતા છે. ગત ૧૯ મે ૨૦૨૬ના રોજ ફરિયાદ દાખલ થયા બાદ અત્યાર સુધીમાં પીએસઆઇ એસ.જી. કેશવાલા, આર.કે. ખલીફા અને આર.બી. ઠાકોર એમ ત્રણ અલગ-અલગ અધિકારીઓએ તપાસ હાથ ધરી હોવા છતાં, કોઈએ મુખ્ય શંકાસ્પદ એવા ડીન નયનાબેન પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની હિંમત દાખવી નથી.
કોર્ટે જયારે આ નિષ્ક્રિયતા અંગે પોલીસ પાસે ખુલાસો માંગ્યો ત્યારે કોઈ પણ અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આથી ન્યાયાલયે અત્યંત ગંભીર અવલોકન કરતા નોંધ્યું છે કે તપાસ અધિકારીઓ પર કોઈ રાજકીય કે મોટા માથાઓનું ભારે દબાણ હોઈ શકે છે, અથવા તેઓ કોઈ અંગત સ્વાર્થ ખાતર ડીનને બચાવી રહ્યા હોવાની પ્રબળ શંકા છે.
ન્યાયતંત્રએ પોલીસની આ શંકાસ્પદ કામગીરી અને કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને કોર્ટે પોતાના આદેશની નકલ ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગના સચિવને મોકલી આપી છે, જેથી ફરજમાં બેદરકારી અને નિષ્ક્રિયતા દાખવનાર કસૂરવાર પોલીસ અધિકારીઓ તેમજ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ડીન સામેં પણ કાયદેસરની અને ખાતાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt