
જામનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં ચાર વર્ષ બે માસની બાળકી સાથે અશ્લીલ હરકત કરવાના ગુનામાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 61 વર્ષીય પ્રકાશદાન ઈશ્વરદાન દેવકાને, દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ બાળકીને વળતર પેટે રૂ.2 લાખ ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
કેસની હકીકત મુજબ ફરિયાદીની ચાર વર્ષ બે માસની પુત્રી તા.23-10-2025ના રોજ ભાઈબીજ નિમિત્તે પરિવાર સાથે મામાના ઘરે જમવા ગઈ હતી. તે દરમિયાન બાળકી અને તેનો ભાઈ મણિભદ્ર એપાર્ટમેન્ટની બહાર રમી રહ્યા હતા. ત્યારે હાપા સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતા પ્રકાશદાન ઈશ્વરદાન દેવકાએ બાળકીને મુઠ્ઠીમાં વસ્તુ આપવાની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી. ત્યારબાદ બાળકીનો હાથ પકડી તેના ગાલ પર કિસ કરી પોતાના ખોળામાં બેસાડી અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો.
બાળકીના ભાઈએ તેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ બાળકીને છોડતા સામેની તરફ નોકરી કરતા એક વ્યક્તિએ દોડી આવી બાળકીને આરોપીના કબજામાંથી છોડાવી તેના માતા-પિતાને સોંપી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ થતાં બાળકીના પિતાએ સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 74, 75(2) તેમજ પોક્સો અધિનિયમની કલમ 8 અને 12 હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટ, જામનગરમાં કેસ નં.75/2025 તરીકે ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન સરકાર પક્ષે 6 સાક્ષીઓ તથા 35 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ઉપરાંત ઘટનાસ્થળ નજીકની દુકાનના સીસીટીવી ફૂટેજમાં સમગ્ર બનાવ કેદ થઈ ગયો હોવાથી તે મહત્વનો પુરાવો બન્યો હતો.
સરકાર પક્ષની દલીલો તથા સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓને ધ્યાનમાં રાખી, સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ આર.પી.મોગેરાએ આરોપીને પોક્સો અધિનિયમની કલમ-8 હેઠળ પાંચ વર્ષની સખત કેદ અને રૂ.5,000 દંડ તેમજ પોક્સો અધિનિયમની કલમ-12 હેઠળ બે વર્ષની સખત કેદ અને રૂ.2,000 દંડની સજા ફટકારી છે. દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત ભોગ બનનાર બાળકીને વળતર પેટે રૂ.2 લાખ ચૂકવવાનો આદેશ પણ કોર્ટે કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt