ભાવનગર શહેરનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 ઓગસ્ટે યોજાશે, અરજીઓ 10 ઓગસ્ટ સુધી સ્વીકારાશે
ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારના આદેશ અનુસાર ભાવનગર શહેરમાં નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 25 ઓગસ્ટ, 2026 (મંગળવાર)ના રોજ સવારે 11:00 કલાકે સ
AI ફોટો


ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારના આદેશ અનુસાર ભાવનગર શહેરમાં નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તા. 25 ઓગસ્ટ, 2026 (મંગળવાર)ના રોજ સવારે 11:00 કલાકે સીટી મામલતદાર કચેરી, બી.પી.ટી.આઇ. સામે, વિદ્યાનગર, ભાવનગર ખાતે યોજાશે. કાર્યક્રમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ), ભાવનગરના અધ્યક્ષસ્થાને યોજાનાર છે, જેમાં તાલુકા કક્ષાના પ્રશ્નોના સ્થળ પર જ યોગ્ય નિકાલ માટે પ્રયાસ કરવામાં આવશે.

કાર્યક્રમ અંતર્ગત ભાવનગર શહેરના અરજદારો પાસેથી તા. 10 ઓગસ્ટ, 2026 સુધીમાં વિવિધ સરકારી કચેરીઓમાં લાંબા સમયથી અનિર્ણીત રહેલા પ્રશ્નોને લગતી અરજીઓ આધાર-પુરાવા સાથે મંગાવવામાં આવી છે. અરજદારોએ પોતાની અરજી 'ભાવનગર શહેર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'ના મથાળા હેઠળ સીટી મામલતદાર, ભાવનગરને જરૂરી દસ્તાવેજો સાથે રજૂ કરવાની રહેશે.

અધિકારીઓએ જણાવ્યું છે કે અગાઉ યોજાયેલા તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનિર્ણીત રહેલા અરજદારો તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓએ પણ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવું ફરજિયાત રહેશે. કાર્યક્રમ દરમિયાન અરજદારે પોતાની ફરિયાદ અંગે જાતે રૂબરૂ હાજર રહીને માત્ર એક જ વિષયને લગતી રજૂઆત કરવાની રહેશે. સામૂહિક રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સમયમર્યાદામાં અરજી રજૂ કરવા તેમજ જરૂરી પુરાવા સાથે કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે, જેથી તેમના પ્રશ્નોનું ઝડપી અને પારદર્શક રીતે નિરાકરણ થઈ શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande