
ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર માનનીય ભાવનગર લોકસભા સાંસદ તથા ભારત સરકારના ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાના પ્રયત્નોથી રેલવે બોર્ડ દ્વારા જાળિયા સ્ટેશન પર ટ્રેન નં. 59557/59560 પોરબંદર–ભાવનગર–પોરબંદર પેસેન્જર અને ટ્રેન નં. 59558/59559 ભાવનગર–વેરાવળ–ભાવનગર પેસેન્જર તેમજ સોનગઢ (SGD) સ્ટેશન પર ટ્રેન નં. 59557/59560 પોરબંદર–ભાવનગર–પોરબંદર પેસેન્જરના પ્રાયોગિક ઠેરાવને મંજૂરી આપવામાં આવી છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, તા. સોનગઢ રેલવે સ્ટેશન પર આયોજિત એક ઔપચારિક સમારોહ દરમિયાન આ ઠેરાવનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અવસરે જનપ્રતિનિધિઓએ સોનગઢ રેલવે સ્ટેશન પર હાજર રહી ટ્રેન નં. 59557 પોરબંદર–ભાવનગર પેસેન્જરને લીલી ઝંડી બતાવી જાળિયા અને સોનગઢ સ્ટેશનો પર બે જોડી પેસેન્જર ટ્રેનોના પ્રાયોગિક ઠેરાવનો શુભારંભ કરાવ્યો.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે, આ ટ્રેનોના પ્રાયોગિક ઠેરાવથી જાળિયા અને સોનગઢ વિસ્તારના મુસાફરોને મુસાફરીમાં વધુ સુવિધા મળશે. વધુ સારી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થતાં સ્થાનિક નાગરિકોના અવરજવર વધુ સરળ બનશે તેમજ વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.
પશ્ચિમ રેલવે મુસાફરોની જરૂરિયાતો અને જન અપેક્ષાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં રેલ સેવાઓના વિસ્તરણ, મુસાફર સુવિધાઓના ઉન્નતીકરણ તથા સુરક્ષિત, સરળ અને સુવિધાજનક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે જનપ્રતિનિધિ ગોમાભાઈ ડાંગર (ભાવનગર જિલ્લા મહામંત્રી), રાકેશભાઈ સેલાણા (ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ), રાજેશભાઈ ફાલકી (ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ), નરેન્દ્રભાઈ ગોહિલ (ભાવનગર જિલ્લા મંત્રી), ભોજુભાઈ ડાંગર (સિહોર તાલુકા પ્રમુખ) તેમજ જાગૃતિબેન રાઠોડ (નગરપાલિકા પ્રમુખ, સિહોર) સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને રેલ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર રેલવે મંડળ તરફથી મંડળ વાણિજ્ય પ્રબંધક નીલાદેવી ઝાલા તથા અન્ય રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ