
વડોદરા, 02 ઓગસ્ટ (હિ.સ.) : જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન પરાક્રમ' અંતર્ગત પાદરા પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે જાહેરમાં પત્તાં વડે જુગાર રમી રહેલા ચાર શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ, એક મોપેડ, એક મોટરસાઇકલ સહિત કુલ ₹71,370નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પાદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પાટોદ ગામેથી ઝવેરીપુરા જવાના માર્ગ પર આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જમીન પર ગોળ કુંડાળું બનાવી પત્તાં વડે જાહેરમાં જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા ચાર શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ ઉપરાંત એક મોપેડ અને એક મોટરસાઇકલ સહિત કુલ ₹71,370નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આરોપીઓ અગાઉ પણ આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા કે નહીં.
જિલ્લા પોલીસનું કહેવું છે કે 'ઓપરેશન પરાક્રમ' હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આવા દરોડાઓ આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ