ભાવનગર જિલ્લાની મહિલાઓ માટે ફળ અને શાકભાજી પરિરક્ષણની તાલીમ, 12 ઓગસ્ટ સુધી અરજી કરવાની તક
ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને સ્વરોજગાર અને મૂલ્યવર્ધિત ખાદ્ય ઉત્પાદનો અંગે પ્રોત્સાહન આપવા માટે બાગાયત વિભાગ દ્વારા કેનીંગ અને કિચન ગાર્ડન યોજના હેઠળ ફળ અને શાકભાજી પરિરક્ષણની વિશેષ તાલીમનું આયોજન
Ai ફોટો


ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને સ્વરોજગાર અને મૂલ્યવર્ધિત ખાદ્ય ઉત્પાદનો અંગે પ્રોત્સાહન આપવા માટે બાગાયત વિભાગ દ્વારા કેનીંગ અને કિચન ગાર્ડન યોજના હેઠળ ફળ અને શાકભાજી પરિરક્ષણની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ માટે મહિલાઓ તા. 12 ઓગસ્ટ, 2026 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.

યોજના હેઠળ મહિલાઓને બે દિવસીય અને પાંચ દિવસીય તાલીમ આપવામાં આવશે. દરેક તાલીમ વર્ગમાં કુલ 30 તાલીમાર્થીઓને સ્થાન આપવામાં આવશે. તાલીમ દરમિયાન ફળ અને શાકભાજીના પરિરક્ષણ, પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન, સ્વચ્છતા, પેકિંગ તેમજ ઘરઆધારિત વ્યવસાય અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવશે. તાલીમનો સમય દરરોજ ઓછામાં ઓછો સાત કલાક રહેશે.

તાલીમમાં ભાગ લેનારી મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ. 250 વૃતિકા પણ ચૂકવવામાં આવશે. આ માટે તા. 29 જુલાઈથી 12 ઓગસ્ટ, 2026 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન નોંધણી અને અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ પોતાના પાસે રાખવાની રહેશે. વિભાગ તરફથી મંજૂરી મળ્યા બાદ નિયત સમયમર્યાદામાં તાલીમ પૂર્ણ કરીને અરજીની સહી કરેલી નકલ તથા જરૂરી આધાર-પુરાવા સાથે સહાય મેળવવા માટે દરખાસ્ત રજૂ કરવાની રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક 18થી 60 વર્ષની વય ધરાવતી ભાવનગર જિલ્લાની મહિલાઓને સમયસર ઓનલાઈન અરજી કરવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, નવાપરા, ભાવનગરનો સંપર્ક કરવા અથવા રૂબરૂ મુલાકાત લેવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande