


- મુખ્યમંત્રીએ ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું, 'કેચ ધ રેઇન' અંતર્ગત રિચાર્જ વેલની મુલાકાત લીધી અને 17 વ્યક્તિગત લાભાર્થીઓને સહાય/પોષણ કિટનું વિતરણ કર્યું.
ગાંધીનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેરના સ્થાપના દિવસ નિમિત્તે કોબા તળાવ ખાતે વૃક્ષારોપણ, ‘કેચ ધ રેઇન’ અંતર્ગત રિચાર્જ વેલની મુલાકાત તથા વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’, ‘કેચ ધ રેઈન’ ’જેવા પર્યાવરણપ્રિય અભિયાનો સાકાર કરીને, ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્ટેટ કેપિટલના સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરી હતી.
આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાના ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ, વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળસ્તરમાં વધારો અને જનકલ્યાણકારી યોજનાઓના લાભો નાગરિકો સુધી પહોંચાડવાના ભાગરૂપે આયોજન થયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, કોબા તળાવ પરિસર ખાતે વૃક્ષારોપણ કરી, વરસાદી પાણીના સંગ્રહ માટેના 'કેચ ધ રેઇન' અંતર્ગત તૈયાર કરાયેલા રિચાર્જ વેલની મુલાકાત લીધી હતી તથા વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા હતા.
આ સમારોહમાં શહેરની સ્વચ્છતામાં પ્રશંસનીય કામગીરી કરનાર ૩ સફાઈ કર્મચારીઓને ‘શ્રેષ્ઠ સફાઈ કર્મચારી’ તરીકે પ્રત્યેકને રૂ.૧૦,૦૦૦ના પુરસ્કાર, એમ કુલ રૂ. ૩૦,૦૦૦ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિકાત્મક ૪ લાભાર્થીઓને તેમજ કુલ ૮ લાભાર્થીઓને રૂ. ૨.૫૫ લાખની લોન સહાયનું વિતરણ કરાયું હતું.
મુખ્યમંત્રીએ ICDS પૂરક પોષણ યોજના અંતર્ગત કિશોરીઓ, બાળકો અને સગર્ભા માતાઓમાં કુપોષણ નાબૂદીના ઉદ્દેશથી ૩ લાભાર્થીઓને પોષણ કિટ અર્પણ કરી હતી. તેમજ શહેરના સ્થાપના દિવસે સમગ્ર શહેરમાં ૧૫૦૦ માતાઓને પોષણ કિટ આપવાનું આયોજન કરાયું છે. કેશલેસ આરોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે ૨ લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ પણ અર્પણ કરાયા હતા.
ટી.બી. મુક્ત ભારત અભિયાનને વેગ આપતા મુખ્યમંત્રીએ ક્ષયરોગના બે દર્દીઓને જરૂરી પ્રોટીન અને પોષક તત્વો ધરાવતી પોષણ કિટ આપી હતી તથા વિદ્યાર્થીઓ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકે તે હેતુથી, શહેરની વિવિધ શાળાઓને પરીક્ષાલક્ષી પુસ્તક કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર શહેરના ૬૨મા સ્થાપના દિવસની આ ખાસ ઉજવણી માત્ર એક ઔપચારિક કાર્યક્રમ બની ન રહેતાં પર્યાવરણ જતન, જળ સંચય અને સામાજિક કલ્યાણનો ત્રિવેણી સંગમ બની રહી હતી.
આ અવસરે મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર, અગ્રણી આશિષ દવે, મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ