
ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) કોડિનાર નગરપાલિકા ખાતે “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરાઈ હતી. સફાઈકર્મી બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ અને મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અપાઈ. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે કોડીનાર નગરપાલિકા ખાતે સફાઈકર્મી બહેનો માટે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી એસ. એ. રાઠોડે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું, કે, નારી વંદન ઉત્સવનો હેતુ મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બનાવી સમાજમાં આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે.
તેમણે ઉપસ્થિત મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ની મુખ્ય જોગવાઈઓ, કાયદાકીય રક્ષણ અને મહિલાઓને મળતા અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં રહેલી વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના સહિત સખી વન સ્ટોપ સેન્ટર તથા પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા ઉપલબ્ધ સેવાઓ વિશે પણ તમામને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના પ્રકાશભાઈ મકવાણાએ મહિલાઓના કાનૂની અધિકારો અને વિવિધ કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપતાં મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) ટીમ, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર તેમજ મોટી સંખ્યામાં સફાઈકર્મી બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી અને માર્ગદર્શન સત્ર સાથે મહિલાઓના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ