રાણાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સીએમ સેતુ યોજના અંતર્ગત સ્ત્રી રોગ અને બાળ રોગ નિષ્ણાંતની સેવા ઉપલબ્ધ
પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને તેમના વિસ્તારની નજીક ગુણવત્તાસભર વિશેષ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી સીએમ સેતુ યોજના અંતર્ગત હવે સામુહિક આરોગ્ય કેન્દ્ર, રાણાવાવ ખ
રાણાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર  ખાતે સીએમ સેતુ યોજના અંતર્ગત સ્ત્રી રોગ અને બાળ રોગ નિષ્ણાંતની સેવા ઉપલબ્ધ.


પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને તેમના વિસ્તારની નજીક ગુણવત્તાસભર વિશેષ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી સીએમ સેતુ યોજના અંતર્ગત હવે સામુહિક આરોગ્ય કેન્દ્ર, રાણાવાવ ખાતે સ્ત્રી રોગ તથા પ્રસૂતિ નિષ્ણાંત અને બાળ રોગ નિષ્ણાંતની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ નવી સેવા શરૂ થતાં રાણાવાવ તાલુકા તેમજ આસપાસના વિસ્તારના નવજાત શિશુઓ, બાળકો અને કિશોરોને બાળ આરોગ્ય સંબંધિત નિદાન, સારવાર, વિકાસની તપાસ, કુપોષણનું નિદાન, ચેપી રોગોની સારવાર તથા મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત તપાસ, ઉચ્ચ જોખમી સગર્ભાઓનું માર્ગદર્શન, પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ પછીની સારવાર, માસિક સંબંધિત સમસ્યાઓ, ગર્ભાશય અને અંડાશયના રોગો, વંધ્યત્વ અંગે સલાહ તેમજ અન્ય સ્ત્રીરોગોની વિશેષજ્ઞ સારવાર સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બનશે. તેમજ અન્ય બાળ અને સ્ત્રી રોગોની વિશેષજ્ઞ સલાહ સ્થાનિક સ્તરે જ મળી રહેશે. જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને દૂરના શહેરોમાં સારવાર માટે જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે તેમજ સમય અને ખર્ચ બંનેની બચત થશે.

સામુહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવના અધિક્ષક ડૉ. આર. જી. રાતડીયા દ્વારા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સ્ત્રી રોગ નિષ્ણાંતની સેવાઓનો લાભ લેવા તાલુકાની તમામ મહિલાઓ તથા બાળકોના વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે ડો આશિષ કુછડીયા અઠવાડિયામાં 3 દિવસ ગુરુ,શુક્ર,શનિવારના રોજ સવારે 9 થી 12 સેવા આપશે તથા બાળ રોગ નિષ્ણાંત તરીકે ડો. વિધી કડછા રોજ સોમ થી શનિ સવારે 9 થી 12 સેવા આપશે.આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તમામ નાગરિકો સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી આરોગ્ય સેવાઓનો મહત્તમ લાભ લે અને સગર્ભા બહેનો અને પોતાના બાળકોના સ્વસ્થ ભવિષ્ય માટે નિયમિત આરોગ્ય તપાસ કરાવવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande