
જામનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના ગણપતનગર વિસ્તારમાં દારૂના નશામાં ઘરમાં તોફાન મચાવનાર પતિ સામે પત્નીએ 112 ઇમરજન્સી સેવામાં ફોન કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લઈને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ ગણપતનગર શેરી નં. 6, આરવ બિલ્ડિંગ પાછળ રહેતી શોભનાબેન નરશીભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિ નરશીભાઈ જલાભાઈ ચાવડા (ઉ.વ. 55), દારૂના નશામાં ઘરે આવી તોફાન મચાવતા હોવાથી તેમણે 112 પર ફોન કરીને પોલીસને બોલાવી હતી.
પોલીસ સ્થળ પર પહોંચ્યા બાદ નરશીભાઈને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પંચોની હાજરીમાં તપાસ દરમિયાન તેમની જીભ થોથરાતી હતી, મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ હતી અને શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાથી લથડિયા ખાતા હોવાનું નોંધાયું હતું.
પોલીસ દ્વારા દારૂ પીવા અંગેનો પાસ-પરમિટ માંગવામાં આવતા તેમની પાસે કોઈ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે નરશીભાઈ જલાભાઈ ચાવડા સામે પ્રોહિબિશન અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt