


કચ્છ, 02 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં વિકાસકાર્યોના અસરકારક અમલીકરણ, સચોટ ડેટા સંગ્રહ અને ફિલ્ડ મોનિટરિંગને વધુ આધુનિક બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આકાંક્ષી બ્લોક કાર્યક્રમ (Aspirational Blocks Programme) અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 'NITI TARA' (National Institution for Transforming India Toolkit for Analysis, Review and Action) ડિવાઇસ અંગે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નીતિ આયોગ દ્વારા વિકસાવવામાં આવેલ આ અત્યાધુનિક ડિજિટલ ઉપકરણનો ઉપયોગ હવે ફિલ્ડ લેવલ પર વિવિધ સરકારી યોજનાઓની કામગીરીનું વધુ સચોટ અને પારદર્શક મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવશે.
તાલીમ દરમિયાન અધિકારીઓને સમજાવવામાં આવ્યું કે NITI TARA ડિવાઇસ માત્ર માહિતી એકત્રિત કરવાનું સાધન નથી, પરંતુ વિકાસકાર્યોની વાસ્તવિક સ્થિતિને ડિજિટલ સ્વરૂપે નોંધવાની અસરકારક વ્યવસ્થા છે. ફિલ્ડ મુલાકાત દરમિયાન અધિકારીઓ સ્થળ પરથી જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ, જરૂરી માહિતી અને વિવિધ યોજનાઓની પ્રગતિ સંબંધિત વિગતો સીધી જ સિસ્ટમમાં અપલોડ કરી શકશે. તેના કારણે માહિતીની વિશ્વસનીયતા વધશે તેમજ કામગીરીની વાસ્તવિક સ્થિતિનો ઝડપી અંદાજ મેળવી શકાશે.
આ ઉપકરણ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અમલમાં મુકાતી યોજનાઓનું સતત ડિજિટલ મોનિટરિંગ શક્ય બનશે. ફિલ્ડ લેવલ પર થયેલા અવલોકનો અને અહેવાલો ઝડપથી નીતિ આયોગ સુધી પહોંચતા હોવાથી સમયસર સમીક્ષા, યોગ્ય આયોજન અને જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં પણ સરળતા રહેશે. અધિકારીઓને ડિવાઇસના વ્યવહારુ ઉપયોગ, ફિલ્ડ સર્વેની પ્રક્રિયા, ડેટા અપલોડ કરવાની પદ્ધતિ તેમજ વિવિધ ટેક્નિકલ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી તેઓ મેદાનમાં આ ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરી શકે.
તાલીમ કાર્યક્રમના અંતે તમામ અધિકારીઓને NITI TARA ડિવાઇસનો મહત્તમ ઉપયોગ કરીને ફિલ્ડ મોનિટરિંગને વધુ ગુણવત્તાસભર, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહેલ, જિલ્લા આયોજન અધિકારી જે.સી. રાવલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ લખપત અને રાપર તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ આગામી સમયમાં આકાંક્ષી બ્લોકોના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar