
કચ્છ, 02 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ નજીક આવેલા ગળપાદર ગામમાં ખુલ્લા પડેલા ગટરના ચેમ્બરો લોકો તેમજ અબોલ પશુઓ માટે સતત જોખમરૂપ બની રહ્યા છે. અનેક વખત ફરિયાદો અને રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા ફરી એકવાર એક નિર્દોષ ગાય ખુલ્લા ચેમ્બરમાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે અને જવાબદાર તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગામના રસ્તા પર આવેલા ખુલ્લા ચેમ્બરમાં પસાર થતી ગાય અચાનક પડી જતાં લાંબા સમય સુધી બહાર નીકળી શકી નહોતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. ઘટનાનો વીડિયો પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સામાજિક કાર્યકર લતીફભાઈ ખલીફાએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અબોલ પશુ પોતાની પીડા કોઈ સમક્ષ વ્યક્ત કરી શકતું નથી, પરંતુ આવી ઘટનાઓ માનવતાને શરમાવે તેવી છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ ગામમાં ખુલ્લા ચેમ્બરોમાં પશુઓ ફસાવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં જવાબદાર વિભાગ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. લોકો વારંવાર રજૂઆતો કરે છે, સોશિયલ મીડિયામાં મુદ્દો ઉઠાવે છે, છતાં તંત્રની નિષ્ક્રિયતા યથાવત રહેતા અકસ્માતોનો સિલસિલો અટકતો નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુલ્લા ચેમ્બરો માત્ર પશુઓ માટે જ નહીં, પરંતુ નાના બાળકો, વૃદ્ધો અને રાહદારીઓ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. વરસાદી મોસમ દરમિયાન ચેમ્બરોમાં પાણી ભરાઈ જતાં તેનું અસ્તિત્વ દેખાતું નથી, જેના કારણે અકસ્માતનું જોખમ અનેકગણું વધી જાય છે.
ગામજનોએ પ્રશાસનને તાત્કાલિક તમામ ખુલ્લા ચેમ્બરો પર મજબૂત ઢાંકણાં લગાવી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાને બદલે સમયસર પગલાં લેવામાં આવે તો અનેક નિર્દોષ જીવ બચાવી શકાય. ગળપાદરની આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે જાહેર સુરક્ષાથી જોડાયેલી નાની બેદરકારી પણ ગંભીર પરિણામો સર્જી શકે છે, તેથી સંબંધિત વિભાગે હવે વિલંબ કર્યા વગર અસરકારક કાર્યવાહી કરવી સમયની માંગ બની ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar