ખાવડા નજીક સાંઢાના શિકાર પર વન વિભાગનો કડક પ્રહાર: દુર્લભ વન્યજીવના શિકારીને ઝડપી જેલ હવાલે
કચ્છ, 02 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના ખાવડા વિસ્તાર ખાતે દુર્લભ વન્યજીવોના સંરક્ષણ માટે વન વિભાગે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. ભુજ ઉત્તર રેન્જ હેઠળ આવેલા ખાવડા રાઉન્ડના અંધૌ ગામની સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે સાંઢા (Indian Spiny-tailed Liz
ખાવડા નજીક સાંઢા નો શિકાર કરનાર આરોપી


કચ્છ, 02 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના ખાવડા વિસ્તાર ખાતે દુર્લભ વન્યજીવોના સંરક્ષણ માટે વન વિભાગે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. ભુજ ઉત્તર રેન્જ હેઠળ આવેલા ખાવડા રાઉન્ડના અંધૌ ગામની સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે સાંઢા (Indian Spiny-tailed Lizard)નો શિકાર કરવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળતા વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીથી વન્યજીવોના શિકાર સામે વિભાગની ઝીરો ટોલરન્સની નીતિ ફરી એકવાર સ્પષ્ટ થઈ છે.

વન સંરક્ષક ધીરજ મિત્તલ, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા અને મદદનીશ વન સંરક્ષક એસ. એ. ગઢવીના માર્ગદર્શન હેઠળ ભુજ ઉત્તર રેન્જની ટીમે આયોજનબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખાવડા નિવાસી આશરે 42 વર્ષીય શોડા અરજણ કોલી ગેરકાયદેસર રીતે સાંઢાનો શિકાર કરતો હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી મૃત હાલતમાં એક સાંઢો મળી આવ્યો હતો, જેના આધારે વન વિભાગે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (સુધારા અધિનિયમ-2022)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી પાસેથી મૃત સાંઢા ઉપરાંત શિકાર માટે ઉપયોગમાં લેવાતી ખુરપી, સાંઢાના દરમાં ફૂંક મારવા માટેનું ખાસ માટીનું સાધન, હીરો કંપનીની મોટરસાયકલ તેમજ નોકિયા કંપનીનો કીપેડ મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદામાલની કુલ કિંમત અંદાજે રૂ. 18 હજારથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને ભુજની માનનીય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કચ્છમાં દુર્લભ અને સંરક્ષિત વન્યજીવોના શિકાર અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી યથાવત્ ચાલુ રહેશે.

આ સમગ્ર સફળ કામગીરીમાં ભુજ ઉત્તર રેન્જના પરીક્ષેત્ર વન અધિકારી જે. ઓ. દુમાદિયા, વનપાલ ઓ. જે. જાડેજા, વનરક્ષક વાય. જી. દેસાઈ, વનરક્ષક બી. એમ. જાદવ, ચોકીદાર મુસ્તાક નોડે તથા ડ્રાઈવર શબીર સુમરાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વન વિભાગની આ ઝડપી અને અસરકારક કાર્યવાહીથી વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની હોવાનું સ્થાનિક સ્તરે માનવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande