

કચ્છ, 02 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના મુંદરા અને માંડવી તાલુકાના નાગરિકો માટે પોલીસ વહીવટને વધુ સુલભ અને ઝડપી બનાવતી મહત્વપૂર્ણ વ્યવસ્થા અમલમાં આવી છે. હવે આ બંને તાલુકાના લોકોને પોલીસ વિભાગને લગતી રજૂઆતો, અરજીઓ, માર્ગદર્શન અથવા અન્ય કાયદાકીય કામગીરી માટે જિલ્લા મુખ્યાલય ભુજ સુધી જવાની ફરજ રહેશે નહીં. મુંદરા ખાતે વિભાગીય પોલીસ અધિકારી (SDPO)ની નવી કચેરી કાર્યરત થતાં સ્થાનિક સ્તરે જ પોલીસ વહીવટી સેવાઓ ઉપલબ્ધ બનતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવી કચેરી શરૂ થતાં મુંદરા અને માંડવી વિસ્તારના નાગરિકોને સમય, ખર્ચ અને અનાવશ્યક મુસાફરીમાંથી રાહત મળશે. અત્યાર સુધી પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરવા અથવા વિવિધ વહીવટી પ્રક્રિયા માટે ભુજ જવું પડતું હતું, જેના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે તમામ કામગીરી સ્થાનિક કક્ષાએ જ સરળતાથી પૂર્ણ થઈ શકશે.
મુંદરા વિભાગના નવનિયુક્ત એએસપી અને વર્ષ ૨૦૨૩ બેચના આઈપીએસ અધિકારી ગૌતમ વિવેકાનંદે જણાવ્યું કે, સરકાર અને ગુજરાત પોલીસની જનકેન્દ્રિત કામગીરીના ભાગરૂપે આ કચેરી શરૂ કરવામાં આવી છે. મુંદરા અને માંડવી તાલુકાના નાગરિકોને ઝડપી અને અસરકારક પોલીસ સેવા મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નવી SDPO કચેરી હેઠળ મુંદરા, મુંદરા મરીન, પ્રાગપર, ગઢશીશા, કોડાય, માંડવી અને માંડવી મરીન સહિત કુલ સાત પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. જેના કારણે આ તમામ વિસ્તારોના લોકો હવે સ્થાનિક સ્તરે જ ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરી શકશે અને તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ મેળવી શકશે.
મુંદરાના જુના બંદર રોડ પર આવેલી પ્રાંત કચેરી (SDM ઓફિસ)ના કમ્પાઉન્ડમાં, મરીન પોલીસ સ્ટેશનની નજીક આ કચેરી કાર્યરત કરવામાં આવી છે. એએસપી ગૌતમ વિવેકાનંદે મુંદરા અને માંડવી વિસ્તારના નાગરિકોને અપીલ કરી છે કે, પોલીસ સંબંધિત કોઈપણ રજૂઆત, માર્ગદર્શન અથવા સહાયની જરૂર હોય તો તેઓ નિઃસંકોચ આ કચેરીનો સીધો સંપર્ક કરે. સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થયેલી આ નવી સુવિધા પોલીસ અને પ્રજા વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવવાની સાથે લોકો માટે ઝડપી, સરળ અને અસરકારક સેવા સુનિશ્ચિત કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar