મહુવાના બોરડી ગામે દીપડાનો હુમલો: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, વન વિભાગે પાંજરું ગોઠવ્યું
ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ગામની સીમ વિસ્તારમાં એક વ્યક્તિ પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ
દીપડાને પાંજરે પુરવા મૂકવામાં આવેલું પાંજરું


ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ગામની સીમ વિસ્તારમાં એક વ્યક્તિ પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હુમલામાં વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચતાં તેને જરૂરી સારવાર આપવામાં આવી હતી અને હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બોરડી ગામની આસપાસના વિસ્તારમાં એક દીપડી અને તેના બે બચ્ચાઓ છેલ્લા કેટલાક સમયથી વસવાટ કરી રહ્યા છે. જંગલ વિસ્તારની નજીક વારંવાર તેમની અવરજવર જોવા મળતાં ગ્રામજનોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. પશુઓ પર હુમલાની આશંકા સાથે લોકો હવે રાત્રિના સમયે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. દીપડીને સુરક્ષિત રીતે પકડી શકાય તે માટે સંભવિત અવરજવરવાળા વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે. સાથે જ વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી રહી છે.

વન વિભાગે ગ્રામજનોને સાવચેત રહેવા, એકલા ખેતર કે જંગલ તરફ ન જવા તેમજ કોઈપણ સ્થળે દીપડો દેખાય તો તેની નજીક જવાનો પ્રયાસ ન કરવા અપીલ કરી છે. તેના બદલે તાત્કાલિક વન વિભાગ અથવા સ્થાનિક તંત્રને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે. ગ્રામજનો પણ વહેલી તકે દીપડીને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, જેથી વિસ્તારમાં ફરીથી નિર્ભય વાતાવરણ સર્જાઈ શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande