
અમરેલી, 02 ઓગસ્ટ (હિ.સ.) : અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા બાબરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન વાહન ચેકિંગ દરમિયાન મહત્વની સફળતા મળી છે. બાબરાના કોટડા પીઠા ચેકપોસ્ટ પર પોલીસે શંકાસ્પદ વાહનની તપાસ કરતાં અંદરથી અંદાજે ₹2.70 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ પોલીસની નિયમિત પેટ્રોલિંગ અને ચેકિંગ દરમિયાન વાહનને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવતા પોલીસે તાત્કાલિક દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનાને લઈને સંડોવાયેલા વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
બાબરા પોલીસે દારૂ સાથે વાહન પણ કબજે લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા પોલીસ સતત સક્રિય કામગીરી કરી રહી છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai