
જામનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના બેડી રિંગ રોડ પર આવેલા નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા અને રેલવેમાં સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતા નિકુંદ શાલીગ્રામ પ્રસાદના ઘરે, ધોળે દહાડે ચોરીની ઘટના બની છે. પરિવાર માત્ર એક કલાક માટે અનાજ-કરીયાણું લેવા બહાર ગયો હતો ત્યારે અજાણ્યા તસ્કરે ઘરમાં પ્રવેશ કરી કુલ રૂ. 1,97,600ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
ફરિયાદ મુજબ, 31 જુલાઈના રોજ સવારે આશરે 10:30 વાગ્યે નિકુંદ પ્રસાદ, તેમની પત્ની પ્રિયંકા, સાસુ ગાયત્રી દેવી અને પુત્ર આરુષ ઘરનો આગળીયો મારી નજીકની સોસાયટીમાં અનાજ-કરીયાણું લેવા ગયા હતા. આશરે 11:00 વાગ્યે પરત ફરતાં ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો. શરૂઆતમાં કામવાળી મહિલા આવી હશે તેમ માની અંદર ગયા, પરંતુ રૂમમાં રાખેલો લાકડાનો કબાટ ખુલ્લો જોવા મળ્યો અને તેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ગાયબ હોવાનું જણાયું હતું.
ચોર સોનાની બુટ્ટી, બે સોનાની વીંટી, ચાર સોનાના પેન્ડલ, સોનાની બાલી, ચાંદીનો સિક્કો, બાળકની ચાંદીની કડલી, રાખડી, પાયલ, બ્રેસલેટ, સાંકળા, કાળા મોતીનું નજરિયું તેમજ રૂ. 10 હજાર રોકડા મળી કુલ રૂ. 1,97,600નો મુદ્દામાલ ચોરી કરી ગયો હતો.
આ બનાવ અંગે નિકુંદ શાલીગ્રામ પ્રસાદે, પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt