રાણપુરના મુખ્ય બજારમાં દિવાલ ધરાશાયી: સતત વરસાદના કારણે ઘટના, જાનહાનિ ટળી
બોટાદ, 02 ઓગસ્ટ (હિ.સ.) : બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે મુખ્ય બજાર વિસ્તારમાં એક દિવાલ અચાનક ધરાશાયી થઈ જવાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટના રાત્રિન
વરસાદના કારણે પડેલી દિવાલ


બોટાદ, 02 ઓગસ્ટ (હિ.સ.) : બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે મુખ્ય બજાર વિસ્તારમાં એક દિવાલ અચાનક ધરાશાયી થઈ જવાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટના રાત્રિના સમયે બનતાં બજારમાં અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી રાણપુર શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જૂની અને નબળી દિવાલ પાણીના ભારને સહન કરી શકી નહોતી અને અચાનક તૂટી પડી હતી. દિવાલ ધરાશાયી થતાં આસપાસ કાટમાળ ફેલાઈ ગયો હતો, જોકે સદનસીબે તે સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ આસપાસના વિસ્તારને સુરક્ષિત બનાવવા જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને અન્ય જર્જરિત મકાનો અને દિવાલોની પણ તપાસ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

સ્થાનિક લોકોએ સતત વરસાદને કારણે જૂના મકાનો અને દિવાલો જોખમી બન્યા હોવાનું જણાવ્યું હતું અને તંત્રને આવા સ્થળોની સમયસર તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વરસાદી સિઝનમાં નાગરિકોએ પણ સાવચેતી રાખવી, જર્જરિત ઇમારતો અને દિવાલોની નજીક ઉભા ન રહેવું તેમજ જોખમજનક સ્થળોની જાણ તંત્રને કરવી જરૂરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande