
સુરત, 02 ઓગસ્ટ (હિ.સ.): સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ સુરત જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીનાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા પશુઓના આરોગ્યની સુરક્ષા અને રોગચાળા નિયંત્રણના ભાગરૂપે જિલ્લામા ઓલપાડ, માંડવી, અરેઠ, માંગરોળ તાલુકાઓમા 12 જેટલી ટીમો દ્વારા વ્યાપક પશુ રોગ પ્રતિકારક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
વધુ વિગતો આપતા જિલ્લા પશુપાલન અધિકારી ડો.મયુર ભીમાણીએ જણાવ્યું હતું કે, પુરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓમાં થતા ગંભીર એચ.એસ. (ગળસુંઢા રોગ)સામે રક્ષણ આપતી રસીઓ આપવાની સાથે કૃમિનાશક દવાઓનું વિતરણ અને પશુ મરણ સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પશુઓને ગળસુંઢા રોગ સામે રક્ષણ આપવા માટે વ્યાપક સ્તરે રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સાથે પશુઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વાસ્થ્ય જાળવવા માટે પશુપાલકોને કૃમિનાશક દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
પુરના કારણે જે પશુઓના મોત થયા છે, તેનો સર્વે કરી સહાય તથા મૃત પશુઓથી રોગચાળો ન ફેલાય તે માટે પશુઓના મૃતદેહોનો વૈજ્ઞાનિક અને સલામત પદ્ધતિથી નિકાલ કરવાની કામગીરી સઘન રીતે કરવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગે પશુપાલકોને અપીલ કરી છે કે, તેઓ પોતાના પશુઓનું સમયસર રસીકરણ કરાવે અને પશુપાલન વિભાગની ટીમ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરી સહયોગ આપવાનો અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે