
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશના યુવાનોને સંબોધ્યા
સુરત, 02 ઓગસ્ટ (હિ.સ.) : નશામુકત ભારતના સંકલ્પ સાથે જનજાગૃતિ અને યુવા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે VNSGUના 'નર્મદ સભાખંડ' ખાતે માય ભારત પ્રેરિત 'નશામુક્ત યુવા’ ફોર વિકસિત ભારત@2047 કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે શહેરના મેયર માયાબેન માવાણી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતા.
આજથી દેશભરમાં પ્રારંભાયેલા ‘નશા મુક્ત’ અભિયાન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશની અમૃત પેઢી સમાન યુવાવર્ગને વિકસિત દેશના નિર્માણનો આધારસ્તંભ ગણાવી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, વ્યસનમુક્ત અને સશક્ત યુવાધન જ દેશને વર્ષ 2047 સુધીમાં આત્મનિર્ભર અને 'વિકસિત ભારત' બનાવવાનું સ્વપ્ન સાકાર કરશે.
આ પ્રસંગે VNSGUના કુલસચિવ આર.સી.ગઢવીએ જણાવ્યું કે, દેશનો યુવા વર્ગ એ કોઈ પણ દેશની મુલ્યવાન મૂડી સમાન છે. યુવાનો નશાની કુટેવોથી દૂર રહી પોતાની ઉર્જા અને ક્ષમતાનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં કરે તે આજના સમયની માંગ છે.
વધુમાં તેમણે સરકાર અને લોકો વચ્ચે સેતુરૂપ 'માય ભારત એપ' વિશે જાણકારી આપી હતી. સાથે જ કોલેજના યુવાઓને મહત્તમ સંખ્યામાં આ એપ સાથે જોડાઈ દેશભરમાં થતાં લોકહિતના કાર્યોમાં અને સરકારના વિવિધ અભિયાનોમાં જોડાઈ એક જાગૃત નાગરિક તરીકે પોતાનું મહત્વનું યોગદાન આપવા આહવાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આવનારા 100 અઠવાડિયા સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા નશા મુક્ત અભિયાન હેઠળ લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવશે. જેમાં વિવિધ સરકારી, ખાનગી સંસ્થાઓ તેમજ NGO એકસાથે સામૂહિક પ્રયત્નો થકી આ અભિયાનને સફળ બનાવશે.
આ પ્રસંગે યુનિ.ના વિવિધ વિભાગોના પ્રાદ્યાપકઓ, NSSના સ્વયંસેવક અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે