

વડોદરા, 02 ઓગસ્ટ (હિ.સ.) : નવજાત શિશુના વેચાણના ચકચારી કૌભાંડમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્વની સફળતા મળી છે. અગાઉ હોટલમાંથી માત્ર આઠ દિવસના નવજાત શિશુ સાથે એક દંપતીને ઝડપી પાડી માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યા બાદ હવે તપાસ દરમિયાન વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર આઠ દિવસના નવજાત બાળકને સિદ્ધપુરથી મુંબઈ વેચવા લઈ જવાની યોજના ઘડાઈ હતી. પોલીસે સમયસર કાર્યવાહી કરતાં શિશુને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન સાબરકાંઠાના શ્રવણ પરમાર અને લક્ષ્મણભાઈ મુળીની અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શિશુના પિતા લક્ષ્મણભાઈએ આર્થિક લાભ મેળવવાના હેતુથી પોતાના નવજાત પુત્રને વેચવાના ષડયંત્રમાં સંડોવણી દર્શાવી હતી.
તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે આરોપી શ્રવણ પરમારે, જે બાળકના પરિવારનો સગો હોવાનું કહેવાય છે, અન્ય આરોપી નગીન ભગોરા સાથે સંપર્કમાં રહી સમગ્ર ષડયંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
આ સમગ્ર કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, અગાઉ ઝડપાયેલા આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. તેમની પૂછપરછ દરમિયાન માનવ તસ્કરીના આ રેકેટમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અને સમગ્ર નેટવર્ક અંગે વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ