




- સેમિકન્ડક્ટર, એઆઈ, ગિફ્ટ સિટી અને રિન્યુએબલ એનર્જીમાં રોકાણની નવી તકો રજૂ કરાઈ
- માતૃભૂમિના વિકાસમાં બિનનિવાસી ગુજરાતીઓનું યોગદાન અનિવાર્ય ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાત
ભરૂચ, 26 ઓગસ્ટ (હિ.સ.) : કેનેડામાં યોજાયેલી વિશેષ બિઝનેસ ઈવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિનનિવાસી ગુજરાતીઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓને વર્ષ 2027માં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી જેની નોંધ લીધી અને એમના યોગદાનની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી. ગુજરાતમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ફાસ્ટ-ટ્રેક વિકાસ અને રોકાણની તકો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના પ્રચાર-પ્રસાર અર્થે કેનેડાના બ્રેમ્પટન, ગ્રેટર ટોરોન્ટો વિસ્તાર ખાતે યોજાયેલી ખાસ બિઝનેસ ઇવેન્ટમાં ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયાએ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં મારુતિસિંહ અટોદરિયાના નામનો વિશેષ ઉલ્લેખ કરીને તેમની ઉપસ્થિતિને બિરદાવી હતી.
બિઝનેસ ઈવેન્ટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેનેડામાં વસતા ગુજરાતી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને એનઆરજી સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે, આપણું ગુજરાત આજે વૈશ્વિક સ્તરે રોકાણ માટેનું સૌથી શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બની રહ્યું છે.વિકસિત ભારત 2047ના દેશના સંકલ્પને સાકાર કરવામાં વિદેશમાં વસતા દરેક ગુજરાતીનો સહયોગ અત્યંત અનિવાર્ય છે. સૌ સાથે મળીને માતૃભૂમિના વિકાસમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે તેવો તેમણે લાગણીસભર અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં ગુજરાતમાં થઈ રહેલા ઝડપી વિકાસ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન અને ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ગિફ્ટ સિટી જેવા ભવિષ્યના મોડેલ ક્ષેત્રોમાં રહેલી રોકાણની અસીમ તકો વિદેશી ગુજરાતી વેપારીઓ સામે રજૂ કરવામાં આવી હતી.
આ આંતરરાષ્ટ્રીય બિઝનેસ ઈવેન્ટમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયાએ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં મારુતિસિંહ અટોદરિયાના નામનો વિશેષ ઉલ્લેખ કરી તેમની ઉપસ્થિતિ અને સક્રિયતાને બિરદાવી હતી.
મુખ્યમંત્રીએ કેનેડા સ્થિત એનઆરજી સમુદાયને 2027માં યોજનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉત્સાહભેર સહભાગી થવા માટે ઉષ્માભર્યું અને સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હતું. આ કાર્યક્રમથી વિદેશમાં વસતા ગુજરાતી વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ