
ભાવનગર, 26 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાતના યુવા વુડબોલ ખેલાડી હાર્દિક બટુકભાઈ સઠીયાએ પોતાની મહેનત, સંઘર્ષ અને સમર્પણના બળે રમતગમત ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરી છે. છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલી 20મી સિનિયર નેશનલ વુડબોલ ચેમ્પિયનશિપમાં હાર્દિકે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાની આ સફળતા બાદ હવે ઇન્ડોનેશિયામાં યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે.
હાર્દિકની સફળતાની ખાસ વાત એ છે કે તેમણે મર્યાદિત સાધનો વચ્ચે આ મુકામ હાંસલ કર્યો છે. શરૂઆતમાં તેમની પાસે વુડબોલની પોતાની કિટ પણ નહોતી. તેમ છતાં તેમણે હિંમત હારી નહીં અને જરૂરી સાધનો જાતે તૈયાર કરીને પ્રેક્ટિસ શરૂ કરી. કાકાની વાડીમાં દરરોજ બે-ત્રણ કલાક મહેનત કરતા હાર્દિકે અનેક ટેકનિક ઓનલાઈન વીડિયો દ્વારા સ્વઅભ્યાસથી શીખી હતી.
હાર્દિકના પિતા શેત્રુંજય પર્વત પર ફૂલો વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સામાન્ય આર્થિક પરિસ્થિતિમાંથી આવતા હાર્દિકે પોતાની પ્રતિભા અને મહેનતથી રમતગમતમાં આગવી ઓળખ બનાવી છે.
રાયપુરની ચેમ્પિયનશિપ બાદ હાર્દિકની પસંદગી કાશ્મીરના વેરીનાગ ખાતે યોજાયેલા નેશનલ કેમ્પ માટે થઈ હતી. ત્યાં રાષ્ટ્રીય ખેલાડીઓ અને નિષ્ણાતો પાસેથી નવી ટેકનિક શીખવાનો અનુભવ મળ્યો. તેમની સફળતામાં કોચ દેવાંગ શાહના માર્ગદર્શનનો પણ મહત્વનો ફાળો રહ્યો છે.
હાર્દિકની આ સિદ્ધિ ગુજરાતના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. હવે તેઓ આંતરરાષ્ટ્રીય મંચે ભારતનું નામ રોશન કરવા માટે ઉત્સાહિત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA