
- વૈરાગ્ય, નિર્મોહ અને શાશ્વત શિવત્વનું પ્રતીક એટલે મહાદેવનો ભસ્મ શૃંગાર
સોમનાથ, 26 ઓગસ્ટ (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસના પરમ મંગલકારી પ્રદોષ પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દેવાધિદેવને દિવ્ય ભસ્મ શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. સંધ્યાકાળે શિવ-શક્તિના આરાધના પર્વે ભોળાનાથનું અલૌકિક સ્વરૂપ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઊર્જાથી ઝળહળી ઊઠ્યું હતું.
શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર પવિત્ર યજ્ઞભસ્મનો લેપ કરવાની આ વિધિ સનાતન પરંપરાની અત્યંત પ્રાચીન અને આધ્યાત્મિક પૂજાવિધિ છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ ભસ્મ એ સંસારની ક્ષણભંગુરતા, નિર્ગુણ ભાવ, વૈરાગ્ય અને પરમ નિર્મોહનું પ્રતીક છે. એવી અખંડ શ્રદ્ધા છે કે ભસ્મવિભૂષિત શિવલિંગના દર્શન માત્રથી જીવ મોહ-માયાના બંધનો અને દંભમાંથી મુક્ત થઈને અંતરમાં શિવત્વ તેમજ પરમ શાંતિની અનુભૂતિ કરે છે.
આ પાવન અવસરે સોમનાથ મહાદેવને પવિત્ર યજ્ઞભસ્મ, શિવપ્રિય બિલ્વપત્ર, આસોપાલવ તેમજ દેશી ગુલાબ, ગલગોટા અને સેવંતી સહિતના મનમોહક પુષ્પોથી ભાવપૂર્ણ શૃંગારિત કરવામાં આવ્યા હતા. પ્રદોષ કાળે મહાદેવના આ દિવ્ય ભસ્મ દર્શનનો લાભ લઈ દેશ-વિદેશમાંથી પધારેલા હજારો શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ