આસ્થા સ્નેહનું ઘર: સ્નેહના દોરાથી આત્મનિર્ભરતાની આસ્થા તરફનું પ્રયાણ
બોટાદ, 26 ઓગસ્ટ (હિ.સ.)મનોદિવ્યાંગ બાળકોમાં રહેલી ક્ષમતાઓને ઓળખી તેમને શિક્ષણ, તાલીમ અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારતી બોટાદની ‘આસ્થા સ્નેહનું ઘર’ સંસ્થા સંવેદના અને સેવાકાર્યનું ઉત્તમ ઉદાહરણ બની છે. દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા
આસ્થા સ્નેહનું ઘર


બોટાદ, 26 ઓગસ્ટ (હિ.સ.)મનોદિવ્યાંગ બાળકોમાં રહેલી ક્ષમતાઓને ઓળખી તેમને શિક્ષણ, તાલીમ અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારતી બોટાદની ‘આસ્થા સ્નેહનું ઘર’ સંસ્થા સંવેદના અને સેવાકાર્યનું ઉત્તમ ઉદાહરણ બની છે. દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુથી વર્ષ ૨૦૦૮માં આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી.

સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે, હાલ સંસ્થામાં આશરે ૪૫ મનોદિવ્યાંગ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ, તાલીમ, ગણવેશ, સ્ટેશનરી અને ભોજન આપવામાં આવે છે. સોમવારથી શનિવાર સુધી સવારે ૧૦થી સાંજે ૪ વાગ્યા દરમિયાન બાળકોને તેમની જરૂરિયાત મુજબ તાલીમ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૩થી દાતાઓના સહયોગથી પાળીયાદ રોડ, યોગીનગર ખાતે આશરે એક કરોડના ખર્ચે નવા ભવનમાં વિવિધ સુવિધાઓ સાથે તાલીમ કેન્દ્ર કાર્યરત છે.

સંસ્થામાં બાળકોને રાખડી, દીવડાં, તોરણ સહિતની સુશોભનની વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. રક્ષાબંધન માટે બાળકો દ્વારા રૂ. ૧૦થી રૂ. ૮૦ સુધીની આશરે ૧૦ હજાર રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ પ્રવૃત્તિથી બાળકોમાં સર્જનાત્મકતા સાથે આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની ભાવના વિકસે છે.

સંસ્થા દ્વારા દિવ્યાંગજનોને સરકારી યોજનાઓની માહિતી, સહાયક સાધનો તેમજ મેડિકલ, થેરાપી, આયુર્વેદિક અને નેત્ર નિદાન કેમ્પની સુવિધા પણ આપવામાં આવે છે. રમતગમત ક્ષેત્રે પણ સંસ્થાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ મેળવી છે.

રક્ષાબંધન નિમિત્તે બાળકો દ્વારા બનાવેલી રાખડીઓ ખરીદી તેમને પ્રોત્સાહન આપવું એ તેમની મહેનતને સાચી કદર આપવાનો સંવેદનશીલ પ્રયાસ બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande