









પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શારીરિક તેમજ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા પ્રયાસ
આધુનિક યુગમાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઇલ, ટીવી અન્ય ડિજિટલ સાધનોમાં પસાર થાય છે
બાળકો માટે લસરપટ્ટી, ઝુલા અને આઉટડોર જિમના સાધનોથી શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ થાશે
ભરૂચ 26 ઓગસ્ટ (હિ.સ.)
જીએમડીસી-જીવીટી દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત સોડગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શારીરિક તેમજ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે શાળાને વિવિધ રમતગમતના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.
બાળકો માટે લસરપટ્ટી, ઝુલા તથા આઉટડોર જિમના સાધનોનો સમાવેશ થાય છે.આજના ટેકનોલોજીના યુગમાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઇલ, ટીવી તથા અન્ય ડિજિટલ સાધનોમાં પસાર થતો હોવાથી તેમની શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે.
બાળકોના સ્વાસ્થ્ય અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને તેઓ રમતગમત તથા શારીરિક પ્રવૃત્તિઓ તરફ વધુ પ્રેરાય અને તેમનો શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસ થાય તેવા આશયથી જીએમડીસી દ્વારા આ સામાજિક પહેલ હાથ ધરવામાં આવી છે.
રમતગમતના સાધનો ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓને શાળાના પરિસરમાં જ સુરક્ષિત વાતાવરણમાં વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ કરવાની તક મળશે. જેના પરિણામે બાળકોમાં રમતગમત પ્રત્યેની રુચિ વધવાની સાથે તેમનામાં તંદુરસ્ત જીવનશૈલી, શિસ્ત, સંગઠન ભાવના, આત્મવિશ્વાસ અને સહકારની ભાવના વિકસાવવામાં મદદ મળશે.
આ પ્રસંગે જીએમડીસી ઈએફજી વાલીયા લિગ્નાઈટ પ્રોજેક્ટના હેડ સત્યપ્રકાશ રાવત, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિગ્વિજયસિંહ રણા, શાળાના આચાર્ય ચેતનાબેન, પ્રોજેક્ટ મેનેજર સીએસઆર ઈસ્માઈલ લાકડાવાલા, આસિસ્ટન્ટ મેનેજર ખાણ રાયદે ચાવડા, આસિસ્ટન્ટ મેનેજર એચઆર મહેન્દ્રસિંહ જાડેજા, માઈન સર્વેયર ભાવસિંહ ચુડાસમા તેમજ ગામના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
જીએમડીસી દ્વારા હાથ ધરવામાં આવેલી આ સીએસઆર પ્રવૃત્તિને શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા આવકારવામાં આવી હતી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલી આ પહેલ બદલ જીએમડીસીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ