
ભાવનગર,27 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકા અને બોટાદ સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સહજાનંદ ગુરુકુળ, અકવાડા ખાતે મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષસ્થાને ૭૭મા વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને શહેરમાં હરિયાળી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
મેયર ઉષાબેન તલરેજાએ જણાવ્યું હતું કે, વન મહોત્સવ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું સ્મરણ કરાવવાની સાથે આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાનો સંકલ્પ કરવાનો અવસર છે. ભાવનગર શહેરમાં હરિયાળી વધારવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને અર્બન ફોરેસ્ટમાં ૨૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે નાગરિકોને જન્મદિવસ સહિતના શુભ પ્રસંગોએ વૃક્ષારોપણ કરી તેની નિયમિત માવજત કરવા અપીલ કરી હતી.
મહાનગરપાલિકા કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે, શહેરના વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણનું પણ વિશેષ મહત્વ છે. જનભાગીદારીથી ભાવનગરને વધુ હરિયાળું, સ્વચ્છ અને સુંદર બનાવવા સૌને સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ૧૧ પર્યાવરણપ્રેમીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સહજાનંદ ગુરુકુળ અને મોજીલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત બદલ સન્માનિત કરાયા હતા.
પર્યાવરણ જાગૃતિ માટે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ૫ હજારથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનગરપાલિકા તથા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA