
મહેસાણા, 27 ઑગસ્ટ (હિ.સ.) વિજાપુરના લાડોલ ખાતે આવેલી તમાકુની ખરીમાંથી તાળું તોડ્યા વગર રૂ.4.87 લાખની કિંમતનું દેશી તમાકુ ચોરાઈ જતાં ચકચાર મચી છે. બનાવ અંગે લાડોલ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વિજાપુરના શ્રીરામ પાર્ક સોસાયટીમાં રહેતા મયંકકુમાર જયંતિભાઈ પટેલ લાડોલમાં ‘પૂજન ટોબેકો કંપની’ નામે તમાકુનો વેપાર કરે છે. તેમણે ભાડે રાખેલી ખરીના પતરાંના શેડમાં દેશી અને કલકત્તી તમાકુનો જથ્થો રાખ્યો હતો. ગત 16 ઑગસ્ટના રોજ સવારે 9 વાગ્યે મયંકભાઈ ખરીએ ગયા ત્યારે તમામ માલ અને મુખ્ય દરવાજાનું તાળું યથાવત હતું.
જોકે, 18 ઑગસ્ટના રોજ સાંજે 5 વાગ્યે તેઓ ફરી ખરીએ પહોંચ્યા ત્યારે શેડમાં ગોઠવેલા 521 કોથળામાંથી આશરે 160 કોથળા ગાયબ જણાયા હતા. ચોરી થયેલા દરેક કોથળામાં આશરે 29 કિલો મુજબ કુલ 4,640 કિલો એટલે કે 232 મણ દેશી તમાકુ હતું. એક મણનો બજારભાવ રૂ.2,100 મુજબ ચોરાયેલા તમાકુની કુલ કિંમત રૂ.4,87,200 થાય છે.
ચોરીની ખાસ વાત એ છે કે ખરીના મુખ્ય દરવાજાનું કે અન્ય કોઈ દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં મળ્યું નથી. ફરિયાદી મુજબ ખરીની બહાર તેમજ અંદરની સીડી પરથી ધાબા તરફ જતા માર્ગે તમાકુની રજ જોવા મળી હતી. જેના આધારે અજાણ્યા શખ્સોએ તાળું તોડ્યા વગર કોઈ રીતે ખરીમાં પ્રવેશ કરી સીડી મારફતે તમાકુના કોથળા બહાર ઉતારી ચોરી કરી હોવાનું અનુમાન છે.
પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી ચોરી પાછળનું રહસ્ય ઉકેલવા તથા આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR