

પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણના શ્રી સરસ્વતી શિશુમંદિર દ્વારા ધોરણ ૬થી ૮ના આશરે ૪૦૦ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૭:૩૦ કલાકે શરૂ થયેલા આ પ્રવાસનો હેતુ વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન ઉપરાંત પાટણની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સ્થાપત્ય વિરાસતનો પ્રત્યક્ષ પરિચય કરાવવાનો હતો. વિદ્યાર્થીઓએ વિશ્વપ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લઈ પ્રાચીન સ્થાપત્યકલા, કોતરણી અને ઐતિહાસિક મહત્વ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ સહસ્ત્રલિંગ તળાવની મુલાકાત દરમિયાન પ્રાચીન જળવ્યવસ્થા અને પૂર્વજોની દૂરંદેશી વિચારસરણી વિશે જાણકારી આપવામાં આવી હતી.
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન રક્ષાબંધન પર્વની પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાલયના દીદી દ્વારા વિદ્યાર્થીઓને ભાઈ-બહેનના પવિત્ર સંબંધ, પ્રેમ, સ્નેહ, પરસ્પર આદર અને રક્ષણની ભાવનાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે શિસ્ત, સમયપાલન, સ્વચ્છતા તથા સામૂહિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પર્યટન કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલો આ પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, આનંદમય અને સંસ્કારપ્રદ રહ્યો હતો. ઐતિહાસિક સ્થળોની મુલાકાતથી વિદ્યાર્થીઓમાં પોતાના વારસાની જાળવણી અને સંભાળ અંગે જાગૃતિ કેળવાઈ હતી. આમ, આ શૈક્ષણિક પર્યટન માત્ર મનોરંજન પૂરતું ન રહેતાં વિદ્યાર્થીઓને ઇતિહાસ, સંસ્કૃતિ, સ્થાપત્ય અને ભારતીય સંસ્કારોને નજીકથી સમજવાનો યાદગાર અવસર પૂરું પાડનાર બન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ