
સુરત, 27 ઓગસ્ટ (હિ.સ.): સુરતના સરથાણા વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક આવેલા સેતુબંધ ચાર રસ્તા પાસે ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન એક લક્ઝરી કાર અકસ્માતનો ભોગ બની હતી. તપાસમાં સામે આવ્યું કે કાર ચલાવનાર ગુજરાતના જાણીતા ગાયક અવધિશ હરિયાણી હતા. કાર મેળામાંથી ટેસ્ટ ડ્રાઇવ માટે લેવામાં આવી હતી, પરંતુ પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવતાં સામે જઈ રહેલી મર્સિડીઝ કાર સાથે જોરદાર અથડામણ થઈ હતી. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
અકસ્માત સમયે મર્સિડીઝમાં દંપતી સંબંધીઓના ઘરે જઈ રહ્યું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારમાં બેઠેલી મહિલાનું મોઢું ડેશબોર્ડ સાથે અથડાતાં હોઠ અને ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. પરિવારજનો તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અકસ્માતમાં મર્સિડીઝ કારના આગળના ભાગે અંદાજે બે થી ત્રણ લા8ખ રૂપિયાનું નુકસાન થયાનું જણાવાયું છે.
બનાવ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કારચાલક તરીકે ગાયક અવધિશ હરિયાણીનું નામ સામે આવ્યું હતું. પોલીસે તેમની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે