


પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુર શહેરમાં ગંગોત્રી હોટલ પાછળ આવેલા ગોડાઉનમાં ગત મોડી રાત્રે આશરે 1 વાગ્યે અચાનક ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી હતી. આગની જાણ થતાં સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
સિદ્ધપુર નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર કાર્યવાહી થતાં આગને આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
ગોડાઉનની નજીકથી વીજ લાઈન પસાર થતી હોવાથી UGVCLને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ UGVCLની ટીમે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આગની ઘટનામાં ગોડાઉનમાં રહેલા સામાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આગનું ચોક્કસ કારણ અને થયેલા નુકસાનની વિગતો તપાસ બાદ સામે આવશે. ફાયરબ્રિગેડ, પોલીસ, UGVCL તથા સ્થાનિકોની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ