
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)
મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત કે. એલ. પટેલ કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવ-2026ની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ વિભાગ, મહેસાણા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષીકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના માર્ગદર્શન હેઠળ કાર્યરત ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાતને પર્યાવરણ ક્ષેત્રે સેવાઓ, વૃક્ષારોપણ અને હરિયાળી પ્રવૃત્તિઓ બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. મંત્રી ઋષીકેશભાઈ પટેલના હસ્તે આપવામાં આવેલું પ્રશસ્તિપત્ર સંસ્થાના ટ્રસ્ટી સુરેશભાઈ અને દશરથભાઈએ સ્વીકાર્યું હતું.
આ પ્રસંગે સમગ્ર મહેસાણા જિલ્લામાં રોપાઓનું વિતરણ કરવા માટે ‘ઓક્સિજન રથ’ને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. સાથે ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને વૃક્ષ વાવવાની સાથે તેના નિયમિત જતન અને સંવર્ધનની જવાબદારી લેવા અપીલ કરવામાં આવી હતી.
વન મહોત્સવની 77 વર્ષ જૂની પરંપરા અંતર્ગત શાળાઓ, સંસ્થાઓ, યુવાનો, મહિલાઓ અને નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાઈ હરિયાળું અને સ્વચ્છ ગુજરાત બનાવવામાં સહભાગી બનવા આહ્વાન કરાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR