
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)
મહેસાણાના સેઢાવી ગામે રાત્રિના સમયે ખેતરમાં સૂઈ રહેલા ઇસમને છરી બતાવી દોરડાથી બાંધી રોકડ રકમ અને ભેંસની લૂંટના બનાવનો લાંઘણજ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે લૂંટમાં વપરાયેલ પીકઅપ ડાલું અને ભેંસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ જૂની સેઢાવી-હાડવી રોડ પર આવેલા ખેતરમાં રતુજી ભગાજી વાઘેલા રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા. દરમિયાન ચાર ઇસમો ખેતરમાં આવ્યા હતા અને છરી બતાવી તેમના ખિસ્સામાંથી ₹12,000 રોકડ કાઢી લીધી હતી. ત્યારબાદ તેમને દોરડાથી બાંધી દૂર ખેતરમાં મૂકી દઈ ખેતરમાં બાંધેલી ભેંસને પીકઅપ ડાલામાં ભરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
બનાવ અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 309(4), 309(6), 115(2), 61, 351(3) તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આરોપીઓ પીકઅપ ડાલું અને ભેંસ સાથે મંડાલી ગામની સીમમાં મૌસીનખાનના ખેતરમાં બેઠા છે. પોલીસે સ્થળે પહોંચી રવીન્દ્રસિંહ ચંદુજી ચાવડા, ચંદુજી નાથાજી ચાવડા, જીતેન્દ્રસિંહ પરથીજી ચાવડા અને સમીરશા અબ્દુલશા દીવાનને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ભેંસ કિંમત ₹50,000 અને પીકઅપ ડાલું કિંમત ₹3 લાખ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR