
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મુદરડા ગામની સીમમાં આવેલા શામળીયુ વિસ્તારમાં જાહેરમાં પત્તા-પાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા 5 શખ્સોને લાંઘણજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹12,200ની રોકડ રકમ સહિત જુગારના સાધન-સામગ્રીનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ લાંઘણજ પોલીસ દ્વારા જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ સ્ટાફ મંડાલી ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે મુદરડા ગામની સીમમાં શામળીયુ વિસ્તારમાં ખેતરમાં કેટલાક લોકો ભેગા મળી પત્તા-પાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં 5 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે દારથજી છનાજી ઠાકોર, ધર્મેશ સંભુજી ઠાકોર, રામાજી ભલાજી ઠાકોર, લાલાજી લક્ષ્મણજી ઠાકોર અને જયેશભાઈ કાનજીભાઈ વાઘેલાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹12,200 રોકડ જપ્ત કરવામાં આવી હતી.
આ કામગીરી એ.એસ.આઈ. રજનીભાઈ ખેમાભાઈ તથા પોલીસ કર્મચારીઓ મહિપાલસિંહ જયેન્દ્રસિંહ, પરેશભાઈ તેજમલભાઈ અને સંદિપસિંહ ઈશ્વરસિંહની ટીમે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR