
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)
નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી અચાનક પૂરની ગંભીર સ્થિતિને પગલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. નેપાળ પ્રવાસે ગયેલા મહેસાણા જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને ભાળ મેળવવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાંથી નેપાળ ગયેલા કોઈ પ્રવાસી હાલ પરિવારજનોના સંપર્કમાં ન હોય, ગુમ હોય અથવા તેમના ચોક્કસ સ્થળની માહિતી ન મળતી હોય તો પરિવારજનોને તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. પરિવારજનોએ પ્રવાસીનું પૂરું નામ, મોબાઈલ નંબર, પાસપોર્ટની વિગતો, નેપાળ પ્રવાસનું આયોજન, રોકાણનું સ્થળ અથવા હોટલની વિગતો આપવાની રહેશે. સ્થાનિક સંપર્કની માહિતી ઉપલબ્ધ હોય તો તે પણ આપવા જણાવાયું છે.
નેપાળમાં સીધો સંપર્ક કરવા માટે +977 985 131 6807 અને +977 970 910 7500 નંબર જાહેર કરાયા છે. જ્યારે મહેસાણા જિલ્લા કંટ્રોલ રૂમના 02762-222220 અને 02762-222299 તથા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર 1077 પર પણ માહિતી આપી શકાશે.
DEOC મહેસાણા દ્વારા એકત્રિત માહિતી SEOCને મોકલવામાં આવશે અને રાજ્ય કક્ષાએથી નેપાળમાં ચાલી રહેલી રાહત-બચાવ કામગીરી સુધી પહોંચાડવામાં આવશે. તંત્રએ મુશ્કેલીમાં રહેલા પ્રવાસીઓ અંગે વિલંબ વિના માહિતી આપવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR