
સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલા વિવિધ રંગોના વસ્ત્રો માનવજીવનની વિભિન્ન પરિસ્થિતિઓનો આપે છે સંદેશ
પવિત્ર શ્રાવણ માસની સુદ ચતુર્દશીના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને ભાવિક ભક્તો માટે અલૌકિક અને મનોહર ‘રંગબેરંગી વસ્ત્ર દર્શન શૃંગાર’ અર્પણ કરવામાં આવ્યો હતો. આ વિશેષ શૃંગાર અંતર્ગત દેવાધિદેવ મહાદેવને વિવિધ રંગીન પીતાંબર, સુગંધિત પુષ્પો તથા સુખડ-ચંદન સહિતના દિવ્ય દ્રવ્યોથી સુશોભિત કરવામાં આવ્યા હતા.
માનવ જીવન હંમેશાં પરિવર્તનશીલ રહ્યું છે. જીવનમાં ક્યારેક કેસરી વસંત જેવો ઉત્સાહ અને આનંદ હોય છે, તો ક્યારેક સંઘર્ષ કે વિષમ પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડે છે. જે રીતે અલગ-અલગ રંગો મહાદેવના શૃંગારની દિવ્યતા અને સુંદરતામાં વૃદ્ધિ કરે છે, તે જ રીતે જીવનમાં આવતી સુખ-દુઃખની વિવિધ પરિસ્થિતિઓ મનુષ્યને પરિપક્વ અને જીવનને અર્થપૂર્ણ બનાવે છે.
જીવનના દરેક ઉતાર-ચઢાવમાં વિચલિત થયા વિના સ્થિર રહે અને મહાદેવ પર અતૂટ શ્રદ્ધા રાખી હંમેશાં સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવી રાખે, તે જ સાચો શિવભક્ત છે. આ આધ્યાત્મિક અને જીવનપ્રેરક સંદેશ સાથે આજના દિવસે ભોળાનાથને રંગબેરંગી વસ્ત્રોથી આભૂષિત કરી વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ અલૌકિક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ