
સુરત, 28 ઓગસ્ટ (હિ.સ.) રક્ષાબંધનના પાવન અવસરે સુરતના શિક્ષક નરેશ મહેતાને 321 બહેનો અને વિદ્યાર્થિનીઓએ રાખડી બાંધી અનોખી ઉજવણી કરી હતી. સગી બહેન ન હોવા છતાં છેલ્લા ઘણા વર્ષોથી તેઓ હજારો બહેનો માટે ભાઈ સમાન બની ગયા છે. અત્યાર સુધીમાં તેમણે ગુજરાતભરની 3 હજારથી વધુ યુવતીઓ અને મહિલાઓને વિનામૂલ્યે શિક્ષણ આપીને તેમના અધૂરા અભ્યાસને ફરી શરૂ કરવામાં મદદ કરી છે.
નરેશ મહેતા વર્ષ 2002થી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. વર્ષ 2015થી તેમણે આર્થિક મુશ્કેલીઓને કારણે અભ્યાસ છોડનારી દીકરીઓ અને મહિલાઓને તેમના અનુકૂળ સમયે ભણાવવાનું શરૂ કર્યું હતું. કોરોના મહામારી દરમિયાન આ પહેલને ઓનલાઈન સ્વરૂપ મળતાં સમગ્ર ગુજરાતમાંથી બહેનો જોડાવા લાગી હતી. તેઓ માત્ર ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તૈયારી જ નહીં, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ નિઃશુલ્ક માર્ગદર્શન આપે છે.
તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થિનીઓએ શિક્ષણ પૂર્ણ કરીને શિક્ષિકા, ડોક્ટર, આંગણવાડી કર્મચારી, બેંક કર્મચારી સહિત વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી છે. સાથે જ તેઓ મહિલાઓને સાયબર સુરક્ષા અને સામાજિક જાગૃતિ અંગે પણ માર્ગદર્શન આપે છે. રક્ષાબંધનના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં બહેનો અને તેમના પરિવારજનોએ નરેશ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના સેવાકાર્યને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે