
જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં જાહેરમાં મોબાઇલ ફોન મારફતે ક્રિકેટ મેચ સહિત ઓનલાઈન જુગારના સોદા કરતા બે યુવાનોને સીટી-એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી રોકડ રકમ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.16,400નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
સીટી-એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કાલાવાડ નાકા બહાર પાંચહાટડી પાસે આવેલી એસ.કે. રેસ્ટોરન્ટ નજીક એક યુવાન મોબાઇલમાં ઓનલાઈન સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ રીતે મોબાઇલમાં પ્રવૃત્તિ કરતા મુસ્તકીમ નજીરભાઈ લુસવાલા (ઉંમર 22, રહે. સેટેલાઈટ સોસાયટી, મોરકંડા રોડ, જામનગર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેના મોબાઇલમાં ઓનલાઈન સટ્ટાની અરજીમાં ખાતું ચાલુ હોવાનું તથા તેમાં રૂ.107નું બેલેન્સ હોવાનું સામે આવ્યું હતું.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી ટેસ્ટ મેચમાં ટીમની હારજીત તથા રનફેરના ભાવ દર્શાવતા સોદા થયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે તેની પાસેથી રોકડા રૂ.1,100 તથા રૂ.10,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.11,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત સુભાષ શાકમાર્કેટ નજીક યુનો મેડિકલની બાજુમાં મોબાઇલ ફોન મારફતે ક્રિકેટ મેચ સહિતની હારજીતના સોદા કરતા મહમદ હસન સલીમભાઈ કાસ (ઉંમર 21, રહે. કાલાવડ નાકા બહાર, જામનગર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેના મોબાઇલમાં ઓનલાઈન સટ્ટાની વેબસાઇટ ખુલેલી મળી આવી હતી, જેમાં વિવિધ રમતો ઉપરાંત ભારત-શ્રીલંકા ટેસ્ટ મેચની હારજીત તથા રનફેરના ભાવ દર્શાવવામાં આવતા હતા અને સોદા કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
પોલીસે તેની પાસેથી રોકડા રૂ.300 તથા રૂ.5,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.5,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બંને બનાવમાં પોલીસે કુલ બે આરોપીઓની ધરપકડ કરી રૂ.1,400 રોકડા તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.16,400નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ 12 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt