
જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શિરડી સાંઈબાબા મંદિર ખાતે બળેવ નિમિત્તે સર્વ જ્ઞાતિના ભાઈઓ-બહેનો તથા બાળકો માટે ઓપન જામનગર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 પુરુષો, એક મહિલા અને એક બાળક સહિત કુલ 22 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.શિરડી સાંઈબાબા મંદિર ટ્રસ્ટના પ્રમુખ તથા પૂર્વ મેયર કનકસિંહ જાડેજા અને ટ્રસ્ટીગણ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી બળેવના દિવસે મંદિર ખાતે આ અનોખી મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા.28ના રોજ બપોરે મંદિર પરિસરમાં યોજાયેલી સ્પર્ધામાં સ્પર્ધકોને 70 ગ્રામ વજનના શુદ્ધ ઘીના ગોળના લાડુ (મોદક) પીરસવામાં આવ્યા હતા.સ્પર્ધા દરમિયાન કેટલાક સ્પર્ધકો પાંચ, સાત કે આઠ લાડુ આરોગ્યા બાદ અટકી ગયા હતા, જ્યારે કેટલાક સ્પર્ધકોએ વધુ લાડુ ખાઈને સ્પર્ધામાં રસ જમાવ્યો હતો. ભાઈઓના વિભાગમાં અનિલ જેઠવાએ સૌથી વધુ 11 લાડુ આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અનિરૂદ્ધસિંહ રાઠોડે 11 લાડુ આરોગીને દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે શૈલેષ વૈશ્નવ 9 લાડુ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.બહેનોના વિભાગમાં પદ્દમીની ગજરાએ 11 લાડુ આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે બાળકોના વિભાગમાં દીપ ખાંટે પાંચ લાડુ આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.સ્પર્ધાના નિર્ણાયક તરીકે પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા જિલ્લા પંચાયતના દેવેન્દ્રસિંહ પરમારે સેવા આપી હતી. કાર્યક્રમમાં અતિથિ તરીકે કોર્પોરેટર સુભાષ જોષી તથા પૂર્વ કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઈ) ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt